મુંદ્રા પોર્ટ આતંકીઓનાં ટારગેટ પર

  •  મુંદ્રા પોર્ટ આતંકીઓનાં ટારગેટ પર


ખાનગી બંદરો પર હુમલા કરી ઉદ્યોગોને ભારત લાવવાનાં અભિયાનને અસર પહોંચાડવાનાં કાળા મનસુબા
ફોટાઓ ડિલીટ કર્યા પૂર્વે દુબઇ મોકલાયા હતા ? એટીએસ દ્વારા તપાસ
રાજકોટ તા.11
મુંબઇ એટીએસએ ગાંધીધામમાંથી ઝડપેલા બે આતંકીઓમાંથી એકનાં મોબાઇલમાંથી મુંદ્રા પોર્ટનાં ડીલીટ કરી નાખેલા ફોટા મળતા એટીએસ ચોરી ઉઠી છે. તપાસનીશ એજન્સીને આશંકા છે કે આતંકીઓનાં નિશાના પર ખાનગી બંદર હતું. મુંદ્રા પોર્ટ પર આતંકી હુમલો કરી દેશનાં ઉદ્યોગ જગત અને કેન્દ્ર સરકારને પડકાર ફેકવાનું કાવતરૂ હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે. ડીલીટ કર્યા પૂર્વે ફોટાઓ દુબઇ મોકલાયા હતા કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
ગાંધીધામમાંથી બે મહિના પહેલા મહારાષ્ટ્ર એટીએસએ પકડાયેલા એક શખ્સની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ગાંધીધામના શખ્સના મોબાઈલમાંથી મુન્દ્રા પોર્ટના ફોટોગ્રાફ્સ મળી આવતા આતંકીઓ આ વખતે કંડલા મુકીને ખાનગી બંદર ટાર્ગેટ બનાવવાના હતા તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ખાનગી બંદરોને નિશાન બનાવવાથી સરકારના ઉદ્યોગોને ભારત લાવવાના અભિયાન પર અસર પહોંચાડવાનો આ પ્લાન બનાવવામાં આવ્યો હોવાની શક્યતાઓ એજન્સીઓ વ્યક્ત કરી રહી છે. આ અંગે મળતી વિગતો મુજબ બે મહિના પહેલા ગાંધીધામમાંથી અલ્લારખા મન્સુરીને મહારાષ્ટ્ર એટીએસએ પકડયો હતો. તેની સાથે મુંબઈના ફૈસલ હસન મિરઝાની પણ ધરપકડ કરવામા આવી હતી. આ બન્નેના કનેક્શન આંતકીઓ સાથે હોવાનું તથા ભારતમાં મોટા આતંકી હુમલાઓ ફીરાકમાં હોવાનું પોલીસે દાવો કર્યો હતો. તેઓના કનેક્શન છોટા શકિલના માણસ ફારૃક દેવડીવાલા સાથે હોવાનું બહાર આવ્યું હતું. હવે જેતે વખતે પોલીસે અલ્લારખાના મોબાઈલની તપાસ એફએસએલ મારફતે કરી હતી. તપાસમાં મોબાઈલમાંથી ડીલીટ કરાયેલા મુન્દ્રા પોર્ટના ફોટોગ્રાફસ મળી આવ્યા હતા. જેનાથી એજન્સીઓ ચોંકી ઉઠી હતી. પોલીસે દાવો કર્યો હતો કે આ અલ્લારખા મુન્દ્રા પોર્ટ ગયો હતો. આ ફોટો તેને દુબઈ ખાતે ફારૃક દેવડીવાલાને મોકલ્યા હતા કે કેમ તેની તપાસ ચાલુ છે. જેતે વખતે ગાંધીધામના શખ્સની ભુમિકા શસ્ત્રોની હેરાફેરી કરવાની હતી. તેવામાં અલ્લારખાના મોબાઈલમાંથી ડીલીટ કરાયેલા મુન્દ્રા પોર્ટના ફોટા મળતા આતંકીઓ આ ખાનગી પોર્ટને નિશાન બનાવવા માંગતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે કચ્છમાં સરકારી કંડલા પોર્ટ પણ આવેલું છે. જે પણ અનેક વખત આતંકીઓના હિટ લીસ્ટમાં આવેલું છે. કંડલાની સુરક્ષા સીઆઈએસએફ કરે છે. જ્યારે મુન્દ્રા ખાનગી પોર્ટ છે. તેવામાં ખાનગી પોર્ટને નિશાન બનાવવાથી આતંકીઓને સરકારની છબી ખરાબ કરવાની ઈચ્છા હોઈ શકે છે. એક બાજુ સરકાર દેશમાં ઉદ્યોગો સ્થાપવા માટે દુનિયાભરના દેશોને આમંત્રણ આપી રહી છે. ત્યારે ખાનગી પોર્ટમાં આવી રીતે આતંકી હુમલો થાય તો સરકારની મેક ઈન ઈન્ડિયા ઝુંબેશને ફટકો પડી શકે છે. એજન્સીઓ આ અંગે તપાસ ચાલુ કરી છે.