કાચબાની તસ્કરીનો વીડિયો વાયરલ કરનાર ચોર પોતાની જાળમાં ફસાયો

  • કાચબાની તસ્કરીનો વીડિયો વાયરલ કરનાર ચોર પોતાની જાળમાં ફસાયો

વડનગર તા.11
વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવમાંથી અંદાજે 40 કિલો વજનના મહાકાય કાચબાની તસ્કરીનો વીડિયો પોતે જ ઉતારીને વાયરલ કરતાં ચોર પોતે જ પોતાની જાળમાં ફસાઈ ગયા હતા અને જીવતો કાચબો વન વિભાગે પરત લાવીને આજે તળાવમાં છોડી મૂક્યો હતો. કાચબાની મેલી વિદ્યા અને પ્રેગન્ટ મહિલાને ખવડાવવા માટે ચોરી થતી હોવાનું માનવામાં આવે છે.
શર્મિષ્ઠા તળાવમાં અસંખ્ય કાચબા છે. તળાવમાં અર્જુનબારી દરવાજા નજીક ચારથી પાંચ લોકોએ ગલ નાખી (એક પ્રકારની દોરી) આશરે 35 વર્ષના મહાકાય કાચબાને પકડી લીધો હતો. કાચબા ચોરને પકડવા માટે વન વિભાગ, પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે આરએફઓની ફરિયાદ આધારે કલમ 379, 114 અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 51 મુજબ ગુનો નોંધ્યો છે.
વીડિયોમાં ચાર શખ્સો કાચબાને કપડામાં બાંધી તળાવમાંથી બહાર કાઢતા દેખાય છે. પ્રસૂતા મહિલાને કાચબાની ચરબી ખવડાવાય તો તેજસ્વી બાળક જન્મતું હોવાની માન્યતા લોકોમાં છે. પણ એવું વાસ્તવમાં હોતું નથી. આમ કાચબાની ચરબી કાઢી પ્રસૂતા મહિલાને ખવડાવાય તો તેને અવતરનાર બાળક તેજસ્વી અને ખડતલ બનતું હોવાનું અભણ લોકો માને છે પણ વિજ્ઞાન તેને સમર્થન આપતું નથી.