છેક 64 વર્ષ બાદ લંચબોકસનો પુરાવો મળતા સૈનિકના કુટુંબને પેન્શન

  •  છેક 64 વર્ષ બાદ લંચબોકસનો પુરાવો મળતા સૈનિકના કુટુંબને પેન્શન

સિકર (રાજસ્થાન): તા,11
એક સૈનિક દેશસેવામાં પોતાના પ્રાણની આહુતિ આપી દે છે પરંતુ તે જ સપૂતના પરિવારજનો ક્યારેક પેન્શનના પણ મોહતાજ બની જાય છે, કેમ કે ઘણી વાર સૈનિકો તેમની સર્વિસ દરમિયાન પોતાના દસ્તાવેજો તૈયાર નથી રાખતા. રાજસ્થાનના સિકરના આવા જ બે સૈનિક પરિવારની કહાણી, જેમની પાસે શહીદના કોઈ દસ્તાવેજ નહોતા. તેથી તેમનું પેન્શન પણ શરૂ ન થઈ શક્યું, પણ નસીબ પલટાયું. તે સૈનિકોના ઘરે સામાનમાંથી પરિવારજનોને એવી વસ્તુઓ મળી કે જેનાથી સૈનિકના રેકોર્ડ શોધવામાં મદદ મળી અને પરિવારનું પેન્શન શરૂ થઈ શક્યું.
સિકરના શ્રીમાધોપુર વિસ્તારના કોટડી નિવાસી ચુન્નીલાલ સૈન્યમાં હતા. તેઓ બીજા વિશ્વયુદ્ધમાં પણ લડ્યા હતા. 1950ની 31 ડિસેમ્બરે સર્વિસ પૂરી કરીને પાછા આવી ગયા. 1952ની 20 માર્ચે તેમનું નિધન થઇ ગયું. પેન્શન માટે તેમનાં પત્ની રાજકંવર સૈનિક કલ્યાણ બોર્ડ પહોંચ્યાં પણ પરિવારજનો પાસે કોઈ દસ્તાવેજ નહોતા તેથી પેન્શન ન મળ્યું. 64 વર્ષ બાદ 2016માં ઘરની સફાઇ દરમિયાન રાજકંવરને ચુન્નીલાલને સૈન્ય દ્વારા અપાયેલું લંચબોક્સ મળ્યું. તેના પર આર્મી નંબર લખેલો હતો. તે નંબરના આધારે રેકોર્ડ ફંફોસવામાં આવ્યો અને ડિસેમ્બર, 2017માં 4,000 રૂ. પેન્શન શરૂ થયું.
મંડાવરા નિવાસી ઇશ્વરરામ સૈન્યમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ ખેતીકામ કરવા લાગ્યા. 8 વર્ષ અગાઉ તેમનું નિધન થયું. પરિવારજનો પાસે કોઇ દસ્તાવેજો ન હોવાના કારણે પેન્શન શરૂ ન થઇ શક્યું. મહાર રેજિમેન્ટમાં ઇશ્વરસિંહે 1965ના યુદ્ધમાં ભાગ લીધો હતો. તેમની બહાદુરીના કારણે તેમને સંરક્ષણ ચંદ્રક મળ્યો. તેમના પુત્ર હરલાલે જણાવ્યું કે સૈન્યમાંથી આવ્યા બાદ પિતાને પેન્શન પણ ન મળ્યું કે માજી સૈનિક તરીકે કોઇ સુવિધાઓ
પણ મળતી નહોતી. જૂના મકાનની સફાઇ દરમિયાન તેમને મળેલો એક
ચંદ્રક જડ્યો. તેના પર લખેલા
નંબરની મદદથી હવે તેમનાં પત્ની ભંવરદેવીને પેન્શન આપવાની કવાયત હાથ ધરાઇ છે.