અમરેલી જીલ્લાના ખેડુતોની ચુંટણી બહિષ્કારની ધમકી

  •  અમરેલી જીલ્લાના ખેડુતોની ચુંટણી બહિષ્કારની ધમકી

અમરેલી તા.10
અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા ખેડુતોને આપવામાં આવેલ પાક વિમામાં 2016-17માં મોટી વિસંગતા બાદ તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 2017-18ના પાક વિમામાં પણ એક ખેડુતને ગોળ અને એકને ખોળની નીતિ સામે ખેડુતોમાં ફાટી નીકળેલ રોષથી આજે અમરેલી તાલુકાના ખેડુતોએ વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવેલ હતુ પાક વિમા અંગે ફેર વિચારણા કરવામાં નહી આવે તો ચૂંટણી બહિષ્કાર કરી ઉપવાસ આંદોલનની ચીમકી આપેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ સરકાર દ્વારા પ્રધાન મંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત પાક ધીરાણ લેતા ખેડુતો પાસેથી ફરજીયાત પાક વિમો લેવામાં આવે છે. પાક વિમો ફરજીયાત કરવામાં આવતા ખેડુતોમાં ભારે નારાજગી છવાયેલ હતી જ પાક ધીરાણના 5 ટકા પાક વિમા લેખે ખેડુતો પાસેથી પ્રીમીયમ રૂપે કાપી લેવામાં આવતા હોવાથી લાચાર ખેડુતો ને સરકારે વધુ લાચાર કરી દીધા બાદ પણ પાક વિમામાં એક જ શેઢાનાં બે ખેડુતોમાંથી એક ખેડુતને 40 ટકા વિમો અને બીજા ખેડુતને 0 ટકા પાક વિમો જેવી વિસંગતાહોવા છતા પણ સરકાર સબ સલામતનાં બણગા ફૂંકતી હોવાથી સરકારની આકારણીની નીતિ સામે ખેડુતોમાં ભારે વિરોધનો વંટોળ ઉઠેલ છે. અને ખેડુતોએ આક્રોશ સાથે જણાવેલ હતુ કે આ વિરોધનો વંટોળ આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર ઉપર આંધી બનીને ત્રાટકશે.
આજે અમરેલી જિલ્લાના 72 ગામમાંથી 22 ગામોને પાક વિમામાં ઘશેર અન્યાય થતા ખેડુતો દ્વારા શહેરમાં જેસીંગપરા વિસ્તારમાંથી વિશાળ રેલી યોજી શહેરનાં રાજમાર્ગો ઉપર ફરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતુ જેમાં ખેડુતોએ અમરેલી તાલુકાના 72 ગામનાં સર્વે નં. જાહેર કરી ખેડુતના નામ સાથે કયા અધિકારી દ્વારા ક્રોપ કટીંગની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેની યાદી જાહેર કરવી ક્રોપ કટીંગનાં આંકડાઓ કઈ રીતે નકકી કરવામાં આવેલ છે. તેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરવો ફકત કપાસ પીયતનો પાક વિમો મંજૂર કરવામાં આવેલ છે. બિન પીયતને મોટી નુકશાની ગયેલ હોવા છતા પણ વિમો મંજૂર કયાં કારણોસર કરવામાં આવેલ નથી?
અમરેલી તાલુકાના 72 ગામડામાંથી 22 ગામડાઓને નહીવત મશ્કરી સમાન વિમો પાસ કરવામા આવેલ છે.
જયારે આજ ગામને અડીને આવેલ અન્ય ગામના ખેડુતોને 40 થી 78 ટકા જેટલો વિમો મંજૂર કરવાની વ્હાલા દવલાની નીતિ સામે ખેડુતોમાં ભારે આક્રોશ છવાયેલ છે.
સરકાર દ્વારા ખેડુતોની માંગણી મુજબ પાક વિમા અંગે ફેર વિચારણા કરી અન્યાય થયેલ ખેડુતોને ન્યાય નહી મળે તો ખેડુતો દ્વારા ગાધી ચીંધ્યા રાહે આંદોલન કરી 2019ની લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરી ઉપવાસ આંદોલન કરવામાં આવશે.