સવર્ણોને ‘અનામત’ જેવો લાભ: ગુજરાત સમગ્ર દેશને દિશા ચીંધે છે... । તંત્રી લેખ

  • સવર્ણોને ‘અનામત’ જેવો  લાભ: ગુજરાત સમગ્ર  દેશને દિશા ચીંધે છે... । તંત્રી લેખ

લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં પાટીદાર આંદોલન દ્વારા હાર્દિક પટેલે સરકારનું નાક દબાવી રાખ્યું હતું. રાજ્યમાં પાટીદાર કોમ એ સરકાર ઘડવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ કોમની નારાજગી સરકારને પોષાય તેમ ન હોવાથી હાર્દિક પટેલના ઉપવાસના કાર્યક્રમ પૂર્વે સરકારે એક માસ્ટર પ્લાન આજે ગુજરાતીઓ સમક્ષ મૂક્યો છે. જેમાં 8 યોજનાઓ દ્વારા રાજ્યના 1.58 કરોડ ગુજરાતીઓ માટે રાહતનો પટારો ખોલી દીધો છે. હાલમાં ભાજપ સરકાર આ યોજનાઓને સૌથી મોટી રાહત ગણાવી રહી છે. આ યોજનાઓ સફળ રહી અને આયોજન સફળ રહ્યું તો સૌથી મોટા સમાચાર મોદી સરકાર માટે છે.
ગુજરાત સરકારની આ યોજના યોગ્ય સમયે લાગુ થઈ જાય અને સફળતા મળે તો મોદી સરકાર માટે લોકસભાની ચૂંટણી પૂર્વે આ સૌથી મોટી ગિફ્ટ હશે. હાલમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અનામત આંદોલનો ચાલી રહ્યાં છે. આ બંને રાજ્યોમાં લોકસભાની સિટો સૌથી વધારે છે. આ રાજ્યો મોદી સરકાર માટે માથાનો દુખાવો બન્યા છે. જો આ યોજના સફળ રહે તો બિન અનામતને લાભ આપવાને નામે મોદી સરકાર આ યોજનાને દેશભરમાં લાગુ કરી શકે છે. ગુજરાતમાં મોદી સરકારે ફરી પીએમ બનવું હોય તો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા પર સૌથી મોટો મદાર રાખવો પડે. આ રાજ્યોમાં અનામત આંદોલનો સરકારની ઊંધ હરામ કરી દીધી છે.
આ રાજ્યોમાં મોટાપાયે આંદોલન ચાલી રહ્યાં છે. આ અનામત આંદોલનો રાજ્યની ચૂંટણીમાં મોટો ભાગ ભજવે છે. સુપ્રીમના સ્પષ્ટ નિર્દેશ છતાં રાજ્ય સરકારો ચૂંટણી જીતવા માટે સમાજને લોલીપોપ આપી ચૂંટણી તો જીતી જાય છે પણ સમાજ સાથે છેતરપિંડી થાય છે. જે માટે મોદી સરકાર પણ અનામત માટે માસ્ટર પ્લાન ઘડી રહી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તમામ જ્ઞાતિઓને આર્થિક આધાર પર અનામત આપવા પર વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારની અંદર તમામ જ્ઞાતિઓમાં આર્થિક રીતે નબળા અને કમજોર લોકોને અનામત આપવા પર વિચાર ચાલી રહી છે. જોકે, આ ચર્ચા હાલમાં પ્રારંભિક સ્તર પર છે. અનામત પર કોઇ પણ નિર્ણય લેતા અગાઉ એક મોટા સ્તર પર સલાહ અને ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે દેશના અનેક રાજયોમાં અનામતને લઇને અલગ અલગ સમુદાયો તરફથી માંગણી ઉઠી છે. અનામત આપવી એ શક્ય નથી. જે માટે ઘણા ફેરફારો કરવા પડે તેમ હોવાથી મોદી સરકાર આ મામલે ફૂંકી ફૂંકીને કદમ ઉઠાવી રહી છે. મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન, ગુજરાતમાં પાટીદાર આંદોલન અને રાજસ્થાનમાં ગુર્જર આંદોલને સ્થાનિક સરકારને આંખે પાણી લાવ્યાં છે.
હંમેશા સરકાર અથવા રાજકીય દળો આ માંગણીને પૂરા કરવાના નામ પર ખોટા વચનો આપતી રહે છે કારણ કે અનામતને લઇને સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્પષ્ટ છે કે, કોઇ પણ રાજય 50 ટકાથી વધુ અનામત આપી શકે નહીં. અનામતની હાલની વ્યવસ્થા હેઠળ દેશના અનુસુચિત જાતિ માટે 15 ટકા, અનુસુચિત જનજાતિ માટે 7.5 ટકા અને અન્ય પછાત વર્ગ માટે 27 ટકા અનામત છે. વિવાદના કેન્દ્રમાં અનામતનો મુદ્દો છે. બંધારણમાં સ્પષ્ટ રીતે અનામતનો ઉલ્લેખ નથી. પરંતુ બંધારણની મૂળભાવનાના હિસાબે અનામતની વ્યવસ્થા છે. બંધારણની કલમ 46 પ્રમાણે, સમાજમાં શૈક્ષણિક અને આર્થિક રીતે પછા લોકોના હિતનું વિશેષ ધ્યાન રાખવું. સરકારની જવાબદારી છે. ખાસ કરીને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકોને અન્યાય અને શોષણથી બચાવવા જોઇએ. દેશમાં અંગ્રેજોના રાજથી અનામતની વ્યવસ્થાની શરૂઆત થઇ હતી. વર્ષ 1950માં એસસી માટે 15 ટકા, એસટી માટે 7.5 ટકા અનામતની વ્યવસ્થા હતી. અગાઉ કેન્દ્ર સરકારે શિક્ષણ, નોકરીમાં અનામત લાગુ કરી હતી. કેન્દ્ર બાદ રાજયોએ પણ અનામત લાગુ કરી દીધી. રાજયોમાં જનસંખ્યાના આધારે એસસી, એસટીને અનામતનો લાભ મળે છે. અનામત લાગુ કરતા સમયે 10 વર્ષમાં સમીક્ષાની વાત કરવામાં આવી હતી. વર્ષ 1979માં મંડલ આયોગની રચના કરવામાં આવી હતી. ગુજરાત સરકારે બિનઅનામત વર્ગને ફાયદો કરવા માટે જાહેર કરેલી યોજનાઓ લોલિપોપ સાબિત થાય છે કે ખરેખર ગુજરાતીઓને લાભ થશે એ તો આગામી સમય જ બતાવશે પણ હાલમાં સૌથી મોટી રાહત ભાજપ સરકારને થઈ છે. 25મીથી હાર્દિક પટેલ આ મરણાંત ઉપવાસ આંદોલન પર બેસવાનો છે. જેને સૌથી પહેલાં રણનીતી બદલી કાઢવી પડશે. આગામી સમયમાં હવે પાટીદાર સમાજ પણ સરકારની જાહેરાતો બાદ કઈ રીતે સાથ આપે તે પણ ઘણું મહત્તવનું છે. સરકાર માટે રાજકારણની દ્રષ્ટીએ હાલમાં આ નિર્ણય રાહત આપનારો છે.