ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મકાનમાંથી નકલી ચાવીની મદદથી 13 લાખનો હાથફેરો

  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મકાનમાંથી નકલી  ચાવીની મદદથી 13 લાખનો હાથફેરો

ઘરકામ કરતી કોઈ વ્યક્તિ ચાર વર્ષ સુધી હાથફેરો કર્યાની શંકા
રાજકોટ તા.11
રાજકોટ શહેરમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે વધુ એક ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે સરદાર બેગ નજીક એક એપાર્ટમેન્ટમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના મકાનમાં માતાના રૂમમાંથી નકલી ચાવીની મદદથી કોઈ શખ્શે ચાર વર્ષ દરમિયાન ધીમે ધીમે 12.95 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડનો હાથફેરો કરી લેતા ફરિયાદ નોંધાવાઇ છે ઘરકામ કરતી કોઈ વ્યક્તિએ ચોરી કરી હોવાની દ્રઢ શંકાએ તપાસ શરુ કરતા ભેદ ઉકેલાઈ જવાની શક્યતા સેવાઈ રહી છે. રાજકોટના કસ્તુરબા રોડ સરદાર બાગ સામે આવેલ રઘુકુળ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચાર્ટર્ડ એકાન્ટન્ટ તરીકે વ્યવસાય કરતા રાજેશભાઈ વિનોદભાઈ સોમૈયા નામના લોહાણા આધેડે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની માતાનો જે રૂમ છે તે રૂમના કબાટમાંથી સોનાના 10.92 લાખના 420 ગ્રામના જુદા જુદા દાગીના તેમજ ચાંદીના 3570 રૂપિયાના 138 ગ્રામ જુદા જુદા દાગીના અને રોકડા 2 લાખ રૂપિયા અને એક 100 રૂપિયાના લેડીસ પર્સ સહીત 12,95,670 રૂપિયાના મુદામાલ ચોરી થઇ ગયો છે.
આ ચોરી કબાટનું લોક તોડ્યા વિના એટલે કે કોઈ નકલી ચાવીથી ચોરી કરી તમામ મુદામાલ સેરવી લીધો હોવાનું જણાવતા આ ચોરીમાં ઘરમાં જ રહેતો કોઈ ઈસમ સંડોવાયેલ હોવાની દ્રઢ શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે ચાર વર્ષના સમયગાળા દરમિયાન તસ્કરે ઘરના સભ્યોની નજર ચૂકવી અસલી ચાવી સેરવી લઇ તેની નકલી ચાવી બનાવી લઇ નિરાંતે હાથફેરો કર્યો હોય ઘરકામ કરવા આવતી કોઈ વ્યક્તિએ ચોરી કરી હોય અને ચોરી કરનાર ઈસમ પણ સકંજામાં આવી ગયો હોય ભેદ ઉકેલાવાની આરે હોય તેવું જાણવા મળી રહ્યું છે.