શિવ... શિવ...: મંદિરમાં ઘૂસી દારૂડિયાઓએ મહંતને ફિનાઈલ પીવડાવ્યું

  • શિવ... શિવ...: મંદિરમાં ઘૂસી દારૂડિયાઓએ મહંતને ફિનાઈલ પીવડાવ્યું

 વીંછિયાના પીપરડી
ગામનો બનાવ : લુખ્ખાઓએ મંદિરમાં ધમાલ કરી મહંતને લમધારતા હોસ્પિટલ ખસેડાયા
રાજકોટ, તા. 11
શ્રાવણ મહિનાના પ્રારંભ પહેલા જ શિવભકતો કોપાયમાન થયા હોય તેમ વીંછીયાના પીપરડી ગામે શિવ મંદિરમાં દારૂડીયા શખ્સોએ ઘૂસી મહંતને ફિનાઈલ પીવડાવી ધોકા વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત મહંતને સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવ્યા હતાં.
પોલીસમાંથી મળતી વિગત મુજબ વિંછીયા તાલુકાના પીપરડી ગામની સીમમાં આવેલા શિવ મંદિરના મહંત મોડી રાત્રે મંદિરમાં સૂતા હતા ત્યારે પીપરડી ગામે રહેતો દશરથ મોબતસંગ ચૌહાણ સહિત પાંચ શખ્સો દારૂ પીધેલી હાલતમાં મંદિરમાં ઘસી આવ્યા હતાં. ભીમનાથ ગુલાબનાથ નામના મહંત સૂતા હતાં. ત્યારે પાંચેય શખ્સોએ ધોકા વતી હુમલો કરી મૂઢ માર મારી ફિનાઈલ પીવડાવી દીધુ હતુ. મહંતને માર મારી પાંચેય શખ્સો નાસી ગયા હતાં. આ બનાવ અંગે ગ્રામજનોને જાણ થતા ચકચાર મચી ગયો હતો.
ઘવાયેલા મહંતને સારવાર અર્થે પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમની તબીયત નાજુક જણાતા વધુ
સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. મહંતની પ્રાથમીક પૂછતાછમાં પાંચેય શખ્સો મોડી રાત્રે દારૂના નશામાં આવી મંદિરનો દરવાજો ખટખટાવ્યો હતો મહંતે દરવાજો ખોલતા જ નશાચૂર પાંચેય શખ્સો મંદિરમાં ઘુસી ગયા હતાં. અને મંદિરમાં ધમાલ મચાવી મહંતને માર માર્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે વિંછીયા પોલીસે નોંધ કરી મહંત પર હુમલો કરનાર નશાખોરોની શોધખોળ આદરી છે.