કાલથી પવિત્ર શ્રાવણ માસનો મંગલ પ્રારંભ

  • કાલથી પવિત્ર શ્રાવણ માસનો મંગલ પ્રારંભ

 પ્રથમ સોમવારે
શિવયોગ થતો હોવાથી મહત્ત્વ : ચારેય સોમવારે વિવિધ પ્રકારે આરાધના કરી ફળ મેળવીએ
રાજકોટ, તા.11
શ્રાવણ સુદ બીજને સોમવાર તા.13/8/18ના દિવસે શિવયોગ છે જે રાત્રીના 12:24 સુધી છે. આમ શ્રાવણમાસ સોમવાર અને શિવયોગ આ દિવસનું મહત્વ વધી જશે. આપણા હિન્દુ પંચાગ પ્રમાણે 26 યોગ છે તેમાનો એક શિવયોગ છે. મહાદેવજીને સોમવાર પ્રિય છે. મહાદેવજીએ પોતાના મસ્તક પર ચંદ્રને ધારણ કરેલ છે અને ચંદ્રના આરાધ્ય દેવ મહાદેવજી છે આમ મહાદેવજીની પૂજા માટે સોમવાર ઉત્તમ ગણાય છે.
મહાદેવજીના શિવલીંગની પૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે. શિવલિંગમાં મુળમાં બ્રહ્માજી મધ્યમા વિષ્ણુભગવાન અને ઉપર શિવજીનો વાસ છે. આમ શિવલીંગની પૂજામાં ત્રણેઠ દિવની પૂજા થાય છે. શિવલીંગની પુજા કરવાથી ત્રણેયદેવતાની પુજાનું ફળ મળે છે.
શ્રાવણ મહિનાના ચારેય સોમવારે અલગ અલગ ધાન્યથી શિવજીની પૂજાનું મહત્વ છે તેને શિવમુષ્ટિ કહેવામાં આવે છે.
(1) પહેલા સોમવારે શિવલીંગ પર ચોખા ચડાવા
(2) બીજા સોમવારે શિવલીંગ પર તલ ચડાવા
(3) ત્રીજા સોમવારે શિવલીંગ પર મગ ચડાવા
(4) ચોથા સોમવારે શિવલીંગ પર જવ ચડાવા
આમ ચારેય સોમવારે અલગ અલગ ધાન્યથી મહાદેવજીની પૂજા કરવાથી મનની મનોકામનાપૂર્ણ થાય છે.
તે ઉપરાંત દરીદ્રતા દુર કરવા બિલિપત્રથી પૂજા કરવી બીમારીમાંથી મુક્તિ મેળવવા દુધ ચડાવુ, ધન વૈભવ મેળવવા ઘી ચડાવું, માનસિક શાંતિ મેળવવા અને વિદ્યાબળ બૃધ્ધિશક્તિ મેળવવા સાકરવાળુ પાણી ચડાવવુ. શત્રુ દુર કરવા સરસવનું તેલ ચડાવવું, ડાયાબીટીસ જેવી બીમારીમાં રાહત મેળવવા શેરડીનો રસ ચડાવવો.
સંતાન સુખ મેળવવા ચોખા ચડાવવા, મહાદેવજીને કાળા તલ ખુબ પ્રિય છે. કાળા તલ ચડાવવાથી સર્વે મનોકામતના પૂર્ણ થાય છે.
શાસ્ત્રોના નિયમ પ્રમાણે મહાદેવજીની પૂજા દિવસ અને રાત્રીના પણ થઇ શકે છે. આમ 24 કલાકમાં ગમે તે સમયે શુધ્ધ થઇ અને મહાદેવજીની પૂજા કરી શકીયે છીએ. ખાસ કરીને મધ્ય રાત્રીએ મહાદેવજીની પૂજા અભિષેક અને રૂદ્રીનું મહત્વ વધારે છે તેની નિશિથ કાળ કહેવામાં આવે છે. સોમવાર તા.13/8/18નો નિશિથ કાળ રાત્રે 12:30 થી 1:14 સુધી છે.
શાસ્ત્રી રાજદીપ જોશી-વૈદાંત રત્ન