બાબરાના તત્કાલીન નાયબ મામલતદારને 3 વર્ષની કેદ

  • બાબરાના તત્કાલીન નાયબ મામલતદારને 3 વર્ષની કેદ

 ખાતેદારનો દાખલો કઢાવવા માટે લાંચ કેસમાં દોષિત જાહેર
અમરેલી તા.11
આજથી સવાસાત વર્ષ પહેલા બાબરામાં તત્કાલીન નાયબ મામલતદારે ભીલડી ગામની એમ મહિલા ખેડુત ખાતેદારને ખાતેદાર તરીકેનો દાખલો આપવા અંગે લીધેલ રૂા.4500 ની લાંચના કેસમાં આજે ન્યાયાધીશે આરોપી નાયબ મામલતદારને 3 વર્ષની સાદી કેદ અને રૂા. પ હજારનાં દંડની સજાનો હુકમ કરતાં લાંચિયા વર્ગમાં ફફડાટ
ફેલાયેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ બાબરા તાલુકાનાં ભીલડી ગામનાં ખેડુત ખાતેદાર ગીતાબેન ચતુરભાઇ વેકરીયાએ સુરતનાં કામરેજમાં ખેતીની જમીન વેચાણ દસ્તાવેજ રાખેલ હોવાથી પોતે ખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો (અભિપ્રાય) મેળવવા બાબરા મામલતદારમાં રજુઆત કરતાં ગત તા.24/4/11નાં રોજ ફરજ પરનાં તત્કાલીન નાયબ મામલતદાર એ.બી.ગોહિલે રૂા.4500 ની લાંચની માંગણી કરતાં અમરેલી એ.સી.બી.એ રૂા.4500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધેલ હતા.
જે અંગેનો કેસ આજરોજ અમરેલી સ્પેશ્યલ એ.સી.બી.કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એન.પી.ચૌધરીએ આરોપી નાયબ મામલતદાર એ.બી.ગોહિલને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂા.પાંચ હજારનાં દંડની સજાનો હુકમ કરતાં લાંચીયા વર્ગમાં ભારે ચકચાર જાગેલ હતી.