વિરોધ પ્રદર્શન વખતે તોડફોડ સામે કાયદો ઘડાશે

  • વિરોધ પ્રદર્શન વખતે તોડફોડ સામે કાયદો ઘડાશે

આવા બનાવોમાં જે-તે વિસ્તારના એસપી જેવા અધિકારીઓની જવાબદારી ફિક્સ થવી જોઇએ
નવીદિલ્હી તા.11
દેશભરમાં યોજવામાં આવતા વિરોધપ્રદર્શન અને રમખાણો દરમિયાન જુદા જુદા જૂથો દ્વારા જાહેર મિલકતને કરવામાં આવતા નુકસાન અને ભાંગફોડની ઘટનાઓને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગંભીર લેખાવી હતી અને કહ્યું હતું કે આ અંગેના કાયદામાં સુધારો કરવા તે સરકારની રાહ નહીં જોય. સર્વોચ્ચ ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે આ મામલે તે આદેશ આપશે. ન્યાયાધીશ એ. એમ. ખાનવિલકર અને ડી. વાય. ચંદ્રચૂડનો પણ સમાવેશ કરતી ખંડપીઠને ઍટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું હતું કે ભાંગફોડ અને રમખાણના કેસમાં જે તે વિસ્તારના સૂપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એસપી) જેવા સત્તાધિકારીઓ માટે
જવાબદારીઓ નક્કી કરવામાં આવવી જોઈએ. દેશના એક કે અન્ય ભાગમાં દર અઠવાડિયે રમખાણ કે હિંસક વિરોધપ્રદર્શનની ઘટનાઓ સતત બનતી જ રહે છે એમ જણાવી તેમણે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને થઈ રહેલા વિરોધપ્રદર્શન, એસસી-એસટીને મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ રાષ્ટ્રવ્યાપી આંદોલન અને કાવડિયાઓને સંડોવતી તાજેતરમાં બનેલી હિંસ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
પદ્માવત ફિલ્મ પ્રદર્શિત થવાની હતી તે અગાઉ જ એક જૂથે ફિલ્મની અગ્રણી અભિનેત્રીનું નાક વાઢી નાખવાની ધમકી આપી હતી એમ જણાવતાં વેણુગોપાલે કહ્યું હતું કે એ મામલે કોઈ કાર્યવાહી તો છોડો, ગુનો શુધ્ધાં દાખલ કરવામાં આવ્યો નહોતો.
આ મામલે તમારું શું સૂચન છે એવો પ્રશ્ર્ન ખંડપીઠે વેણુગોપાલને કરતા તેમણે સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવા જણાવ્યું હતું.
----------------------