ભાદરકાંઠે આધિ વ્યાધિની જળસમાધિનો ઉફાણ

  • ભાદરકાંઠે આધિ વ્યાધિની જળસમાધિનો ઉફાણ
  • ભાદરકાંઠે આધિ વ્યાધિની જળસમાધિનો ઉફાણ
  • ભાદરકાંઠે આધિ વ્યાધિની જળસમાધિનો ઉફાણ

ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષીત પાણી મામલે ધારાસભ્ય વસોયાની જળ સમાધીની ચિમકીના પગલે પોલીસ તંત્ર દ્વારા ભૂખી ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત (ત્રીજી તસવીર) ગોઠવાયો છે. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયા (બીજી તસવીર)એ લોકલડત શરૂ કરી છે. ધારાસભ્ય લલીતભાઇ વસોયા આજે ભૂખી ગામે જળ સમાધી લેવાના છે. જળસમાધી પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા બાદ વસોયા જળ સમાધી લેશે. કોંગ્રેસના 12 ધારાસભ્યો, કોંગી કાર્યકર્તા, ગ્રામજનો (પ્રથમ તસવીર) ઉપસ્થિત રહ્યા છે. તેમજ હાર્દિક પટેલ પણ હાજર રહેશે. લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલના પ્રદૂષણ મામલે ભાદરને બચાવવા અભિયાન હાથ ધરાયુ છે. તંત્રએ ભાદર ડેમ-2માં પ્રદૂષણ રોકવા પગલા નહીં ભરતાં હું આજે જળ સમાધી લેવાનો છું. ભાદર ડેમ-2માં હું ઠેકડો મારીને રહીશ. આદોલનને હાર્દિક પટેલ ઉપરાંત અન્ય ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું છે. તેઓએ ટેકો જાહેર કર્યો છે. લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, હું એક કલાકમાં જળસમાધી લેવાનો છું, છતાં મને પોલીસ તંત્ર પકડતી નથી. (અહેવાલ છેલ્લા પાને)
મને જળસમાધી લેવા જ દેવાના હોય તેવું લાગે છે. મને ખબર છે આ કાયદા વિરૂદ્ધ છે પણ એક ધારાસભ્યની વાત પણ કોઇ સાંભળતું નથી. એટલે મારા વિસ્તારના લોકો માટે હું સમાધી લેવાનો નિર્ણય નહીં જ બદલું. હાર્દિક પટેલ પણ થોડીવારમાં આવે તેવી શક્યતા છે. આ કાર્યક્રમ લોકલડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.