હવે તારીખ 15મી થી 21મી સુધીમાં વર્ષાની આગાહી

  • હવે તારીખ 15મી થી 21મી  સુધીમાં વર્ષાની આગાહી

અમદાવાદ તા,11
રાજ્યમાં ચોમાસાની સિઝન અડધી ઉપર થઈ હોવા છતાં વરસાદને લઈ ચિંતા પ્રવર્તી રહીં છે. ઓગસ્ટ મહિનાના દસ દિવસ વીતિ ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં વરસાદની અછત છે. જો કે, હજુ ચોમાસાની સત્તાવાર વિદાય થઈ નથી પરંતુ, વરસાદી સિસ્ટમ નબળી પડતાં વરસાદ વરસતો નથી. જો કે, આગામી 15મીથી 21મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સારા વરસાદના યોગ છે. ખેડૂતો હાલ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યાં પુન: મેઘરાજા મહેર કરશે તેવા ઉજળા સંજોગો છે. હાલમાં ગિરનારી પવન ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત, સુરેન્દ્રનગર અને કચ્છના ભાગોમાં વરસાદની અછત છે. બંગાળના ઉપસાગરનું વહન અને અરબી સમુદ્રનું વહન સાથે ન ચાલતાં તેમાં વચ્ચે ખાંચો પડયો છે અને મધ્ય પ્રદેશનું વહન ઉત્તર ભારત તરફ ફંટાઈ જાય છે. સિંધમાં હવાના દબાણથી થોડો વરસાદ આવે છે પરંતુ, માત્ર ઝાપટાં રૂપે વરસે છે. આ વરસાદી સિસ્ટમ મધ્ય પ્રદેશથી ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આગામી 15મીથી 21મી સુધીમાં સારો વરસાદ પડી શકે છે. 14મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ઝાપટાં પડતાં રહેશે તેવું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.