જકાર્તા એશિયન ગેમ્સ: ભારતનો ભાલા ફેંક ચેમ્પિયન લેશે નેતૃત્વ

  • જકાર્તા એશિયન ગેમ્સ: ભારતનો  ભાલા ફેંક ચેમ્પિયન લેશે નેતૃત્વ

 ભારતનાં 572 એથ્લેટ્સ ભાગ લેશે; જે ચીન પછી બીજા ક્રમની સૌથી મોટી ફૌજ છે
નવી દિલ્હી તા,11
ભાલા ફેંકમાં ભારતનો ટોચનો નીરજ ચોપડા આવતા શનિવારે જકાર્તામાં શરૂ થનારી એશિયન ગેમ્સમાં ભારતીય સંઘનું તિરંગા સાથે નેતૃત્વ સંભાળશે. ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિયેશનના પ્રમુખ નરિન્દર બત્રાએ ગઈ કાલે આ જાહેરાત કરી હતી. 20 વર્ષનો નીરજ કોમનવેલ્થ ગેમ્સનો ચેમ્પિયન છે. તે ભાલા ફેંકમાં જુનિયર વર્લ્ડ રેકોર્ડ ધારક પણ છે. 2017ની સાલમાં તેણે એશિયન ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. તેણે ભાલો 85.23 મીટર દૂર ફેંક્યો હતો. 2016માં તે અન્ડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે ફિનલેન્ડમાં તાલીમ માટેના સ્થળેથી ને કહ્યું હતું કે મને તિરંગા સાથે ભારતીય સંઘની આગેવાની સંભાળવાનું કહેવામાં આવ્યું છે એનાથી હું ખૂબ ઉત્સાહિત થઈ ગયો છું. મને બહુ મોટું ગૌરવ પ્રાપ્ત થયું છે. મને આ ગૌરવપૂર્ણ જવાબદારી સોંપાશે એ મેં ધાર્યું જ નહોતું.
આગામી 18ઑગસ્ટ-2 સપ્ટેમ્બર દરમિયાન જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત 572 ઍથ્લેટો મોકલશે જેની સામે ચીન 845 ઍથ્લેટોની સૌથી મોટી ફોજ મોકલી રહ્યું છે. ભારત વતી 572 ઍથ્લેટો અને બાકીના કોચ-અધિકારીઓ સહિતનો કુલ 800 જણનો સંઘ જકાર્તા જશે.
ભારત 2014ની ગઈ એશિયન ગેમ્સમાં 11 ગોલ્ડ મેડલ સહિત કુલ 57 ચંદ્રકો જીત્યું હતું. એની તુલનામાં, ચીને ગયા વખતે 151 ગોલ્ડ મેડલ સહિત કુલ 345 ચંદ્રકો પોતાના કબજામાં કર્યા હતા. ચીનના આ વખતના 845 ઍથ્લેટોમાં 19 ઑલિમ્પિક ચેમ્પિયનો છે. 631 ઍથ્લેટો પહેલી જ વખત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.