મિલરોના 170 કરોડ ફસાતાં નવા ટેન્ડર લેવાનું બંધ

  •  મિલરોના 170 કરોડ ફસાતાં નવા ટેન્ડર લેવાનું બંધ

4.પ લાખ ટન મગફળી ઓનપેપર વેચાઇ પણ ગોદામેથી બધો માલ અપાયો નથી, ધીમી પ્રક્રિયા વધુ ધીમી બની ત્રણ મહિના પછી નવી ઉપજ બજારમાં આવી જશે, ને જુના સ્ટોકના નિકાલ પર લાગી બ્રેક રાજકોટ તા.10
પેઢલા (જેતપુર) મગફળી કૌભાંડની સૌરાષ્ટ્રના બજાર પર પણ ઘેરી અસર પાડી છે. ટેકાના ભાવે સરકારી ખરીદ કરેલી જે મગફળી ગોદામોમાં પડી છે, એ સરકાર પાસેથી ખરીદવા અનેક મિલરો-દાણાવાળાઓએ પૈસા ભરી દીધા હોવા છતાં તેમાનાં ઘણાને હજુ માલ નહીં મળતા અંદાજે 170 કરોડ રૂપિયા ફસાઇ ગયા છે, અને હવે વેપારીઓમાં ડર પેસી ગયો હોવાથી નવા ટેન્ડર લેવાનું જ બંધ કરી દીધું છે.
ટેકાના ભાવની નવી નવ લાખ ટન અને જુની 80 હજાર ટન મગફળીનો સ્ટોક થઇ પડયો એવામાં ગાંધીધામ, ગોંડલ, જામનગર જેવા સ્થળે કૌભાંડની આગ ભભુકી. સરકારે માલનો નિકાલ કરવા સૌરાષ્ટ્રના મિલરો-વેપારીઓ સાથે વારંવાર મીટીંગો યોજીને જાણે ભાઇસા’બ બાપા કર્યા હતા. ખોટ ખાઇને માંડ વેચાણ શરૂ થયું ત્યાં ધુળ-ઢેફા કાંડ બહાર આવ્યું !
ગુજરાત તરફ તો આવો પ્રશ્ર ન હોવાથી આજે પણ વેચાણ ચાલુ છે પરંતુ ત્યાં માલનો સ્ટોક અને ડીમાન્ડ જુજ છે, જ્યારે મગફળીના મુખ્ય મથક એવા સૌરાષ્ટ્રમાં ચિત્ર બગડયું છે. સરકારી પ્રક્રિયા મુજબ, મગફળી ખરીદવા ઇચ્છુક 10 ટકા રકમ એડવાન્સ ઓનલાઇન ટેન્ડર સાથે ભરવાની હોય તે લાગે પછી આઠ દિવસમાં બાકીની 80 ટકા રકમ ભરી દેવી પડે એ પછી ડીઓ નીકળે એ માટે ચારેક દિવસ લાગી જાય, અને પછી માલ ઉપાડવાની છૂટ મળે. આ પ્રક્રિયા ચાલુ હતી ત્યાં ધુળ-ઢેફા કૌભાંડ ખુલ્યું. વિતેલા દિવસો દરમ્યાન 4.પ લાખ ટન મગફળી વેચાઇ ગઇ એવો સરકારનો દાવો છે, પરંતુ એટલો સ્ટોક વાસ્તવમાં કદાચ ઓન પેપર વેચાયો હોય તો પણ પ્રેકટીકલી બધો માલ ખરીદદારોને મળ્યો નથી કેમ કે કૌભાંડને પગલે તે પ્રક્રિયા વધુ ધીમી પડી. સૌરાષ્ટ્રના પચાસેક મોટા મીલર-વેપારીને આના કારણે માલ પણ નથી મળ્યો અને 170 કરોડ જેવી રકમ પણ સલવાઇ છે.
એક તરફ આ સ્થિતિ છે ત્યાં બીજી બાજુ મિલરો ડરી જતાં નવા ટેન્ડર લેવા બંધ કર્યા છે. પરીણામે બાકીની 4.પ લાખ ટન મગફળીના વેચાણ પર બ્રેક લાગી ગઇ છે. આ જ રીતે 84 હજાર ટન ચણા અને 80 હજાર ટન રાયડો પર ગોદામોમાં સરકારી ઘરજમાઇ છે. હવે ત્રણેક મહિનામાં મગફળી સહિત નવી ઉપજ બજારમાં આવી જશે ત્યારે એ જથ્થો વેચાવો મુશ્કેલ બની જાય તેમ છે.