દેશમાં ટોચની 20 મહા વિશ્ર્વ વિદ્યાલયમાં GTUને સ્થાન

  • દેશમાં ટોચની 20 મહા વિશ્ર્વ વિદ્યાલયમાં GTUને સ્થાન

ઇન્ટરનેશનલ સંસ્થા યુનિરેક દ્વારા રાષ્ટ્રીય રેકીંગમાં ગુજરાતની એકમાત્ર જીટીયુનો સમાવેશ
રાજકોટ તા.10
ગુજરાત અને ગુજરાતીઓ ઉપર એક મહેણું હતું કે ગુજરાતીઓ વેપાર કરી જાણે, ગુજરાતનું શિક્ષણ નિમ્ન કક્ષાનું. આ મહેણું ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.એ ભાંગી નાખ્યું છે. ઇન્ડીયન સોસાયટી ફોર ટેકનીક એજ્યુ. દ્વારા બેસ્ટ ટેકનોલોજીકલ યુનિ.ના રાષ્ટ્રીય એવોર્ડની સિધ્ધિની શાહી સુકાઇ નથી ત્યાં જ ઓસ્ટ્રેલિયા સ્થિત યુનિરેક નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા દેશભરની યુનિ.ઓનું ગ્લોબલ અને નેશનલ રેન્કીંગ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 16મો ક્રમાંક પ્રાપ્ત કરી ટોચની ર0 યુનિ.માં સ્થાન અંકિત કરનાર જીટીયુ ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે.
ગુજરાતની આવતીકાલ શિક્ષણની હશે. ર1મી સદીમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સુવર્ણ અક્ષરોમાં સ્થાન અંકિત કરશે, જેની શરૂઆત થઇ ચુકી છે, જીટીયુએ પ્રાપ્ત કરેલ બેસ્ટ ટેકનોલોજીકલ યુનિ.ના રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા અને હવે દેશમાં 16માં ક્રમાંક દ્વારા. યુનિ. રેન્ક સંસ્થાએ વિશ્ર્વના વિવિધ દેશોની 13,600 જેટલી યુનિ.ઓને ગ્લોબલ રેન્કીંગ આપ્યું છે. 16મો ક્રમાંક પ્રાપ્ત કરી જીટીયુ આઇઆઇટી, આઇઆઇએસસી, યુનિ. ઓફ દિલ્હી વગેરેની હરોળમાં પ્રસ્થાપિત થઇ છે.
ઉપરોકત જવલંત સિધ્ધિ બાબતે જીટીયુના વાઇસ ચાન્સેલર ડો.નવીનભાઇ શેઠે જણાવેલ કે વ્યાપાર ક્ષેત્ર સાથે હવે શિક્ષણ ક્ષેત્રે પણ અગ્રતા પ્રાપ્ત કરી ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવવાનું ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સ્વપ્ન સાર્થક થયું છે. ઉલ્લેખનીય છે કે જીટીયુનું સ્વપ્ન અને જીટીયુની સ્થાપના નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં થઇ હતી. શાંતિ, સલામતી, વ્યાપાર અને હવે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી ગુજરાત દેશના સામાજીક અને આર્થિક તંત્રમાં પોતાનો સિંહફાળો આપી રહ્યું છે. વધુમાં ડો.નવીનભાઇ શેઠે જણાવેલ કે ઉપરોકત સિધ્ધિ જીટીયુ સંલગ્ન 460 કોલેજો, પ્રાધ્યાપકગણ, કર્મચારીગણ, વિદ્યાર્થીગણ અને યુનિ. સૌના સહિયારા ભગીરથનું પરીણામ છે અને સમગ્ર રાજ્ય માટે ગૌરવપ્રદ છે.
યુનિરેક રેન્કીંગ સીસ્ટમ વિશે જણાવતા જીટીયુના વાઇસ ચાન્સેલર ડો.નવીનભાઇ શેઠે જણાવેલ કે, યુનિ. રેન્ક અગ્રગણ્ય શિક્ષણ ડીરેકટરી અને સર્ચ એન્જીન છે, જેમાં ર00 દેશોની સતાવાર રીતે માન્ય આશરે 13,600 યુનિ.ઓ અને કોલેજોને રેન્કીંગ આપવામાં આવે છે. આ રેન્કીંગમાં અનેક માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે કે, જેમાં ભારતીય ઉચ્ચ શિક્ષણની પધ્ધતિમાં બેચલર, માસ્ટર, પીએચડીની પદવી સતાવાર રીતે આપવામાં આવતી હોય, સર્વત્ર માન્ય હોય, પરંપરાગત કેળવણીપ્રથા હોય, વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરીમાં જ શિક્ષણ આપવામાં આવતું હોય, શિક્ષણની પધ્ધતિ પત્રવ્યવહારથી શિક્ષણની ન હોય વગેરેનો સમાવેશ થાય છે, તેમજ ઇનોવેશન સ્ટાર્ટઅપમાં જીટીયુનું ઉત્કર્ષ કાર્ય રહ્યું હતું. ડો.નવીનભાઇ શેઠે જીટીયુ સંલગ્ન તમામ કોલેજો, પ્રાધ્યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીગણને અભિનંદન તથા આભારની લાગણી સાથે જીટીયુને ટોચની 10 યુનિ.ઓમાં સ્થાન પ્રાપ્ત કરવા અવિરત પુરૂષાર્થનું આહવાન અને જીટીયુ તરફી તમામ સાથ-સહકારની ખાતરી આપી છે.