મેળામાં વેપારીઓએ GST ભરવો જ પડશે: કલેક્ટર

  • મેળામાં વેપારીઓએ GST ભરવો જ પડશે: કલેક્ટર

 ચકરડીના 7 પ્લોટ અને ખાણીપીણીના બાકીના સ્ટોલ માટે સોમવારે યોજાશે હરાજી
રાજકોટ, તા. 10
રેસકોર્ષના મેદાનમાં તા.1 થી શરૂ થનાર ગોરસ લોકમેળા માટે ગઈકાલે 44 રાઈડસનાં પ્લોટ માટે હાથ ધરવામાં આવેલ હરાજીમાં જીએસટી મુદ્દે વેપારીઓ આડા ફાટતા હરાજી સ્થગિત કરવી પડી હતી. બાદ કલેકટરે સીએ સહિતનાં નિષ્ણાંતો સાથે મસલત કરી આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મેળામાં વેપારીઓએ એડવાન્સ જીએસટી ભરવો જ પડશે. ગઈકાલે રદ થયેલ હરાજી આજે બપોર બાદ ફરીથી હાથ ધરાશે અને તેમાં રસ દાખવતા વેપારીઓએ ભાગ લેવો તેવુ કલેકટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતું.
ગઈકાલે હરાજીમાં બીજા દિવસે 44 યાંત્રીક રાઈડસની હરાજી શરૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા મેળામાં જીએસટી વસુલવાનો પરિપત્ર કરવામાં આવતા વેપારીઓ પાસેથી એડવાન્સમાં જીએસટી વસુલવાની કવાયત શરૂ થતા હરાજીમાં હાજર વેપારીઓએ હો હા મચાવી દીધી હતી. તથા જીએસટી ભરવાનો ઈન્કાર કરી દીધો હતો. ધાંધલ ધરાવતાં કારણે વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે હરાજીની પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી. બાદમાં જિલ્લા કલેકટરે સીએ અને ટેકસ નિષ્ણાંતો સાથે ચર્ચા વિચારણા કરી આજે જીએસટી એડવાન્સમાં જ લેવામાં આવશે તેવો નિર્ણય કર્યો હતો અને સ્થગિત થયેલી હરાજી આજે બપોર બાદ ફરી શરૂ કરવા ઘોષણા કરી હતી.
દરમિયાન ચકરડી અને ખાણીપીણીનાં પ્લોટ માટે ઓછા ફોર્મ ભરાયા હોવાથી 7 પ્લોટની હરાજી બાકી રાખવામાં આવી હતી. પરંતુ હવે સોમવારે ચરકડીનાં 7 પ્લોટ અને ખાણીપીણીનાં બાકીનાં પ્લોટની હરાજી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રમકડા અને ખાણીપીણીનાં સ્ટોલની હરરાજીમાં તંત્રને વધુ આવક થવા પામી છે કુલ 321 સ્ટોલમાંથી અત્યાર સુધીમાં 187 સ્ટોલનો ડ્રો થઈ ચુકયો છે અને તંત્રને રૂા.35 લાખ જેટલી માતબર આવક થઈ છે.