આગામી સપ્તાહના મધ્યાહ્વથી મેઘમહેરનો સંકેત

  • આગામી સપ્તાહના મધ્યાહ્વથી મેઘમહેરનો સંકેત

ત્રણ-ચાર દિવસ છુટાછવાયા હળવા-મધ્યમ વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વધુ ઝાપટાથી એક ઈંચ સુધી નોંધાઈ મેઘમહેર
રાજકોટ, તા. 10
સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ એકવાર કુદરતે હાથતાળી આપી દીધી છે અને જામી ગયેલી સીસ્ટમ નબળી પડતા છુટાછવાયા વરસાદ વરસવાનો સંકેત હવામાન વિભાગે દર્શાવ્યો છે.
ચાલુ સપ્તાહના પ્રારંભ પહેલા બંગાળની ખાડીમાં લો-પ્રેશર ઉત્પન્ન થયુ હતુ જે ડિપ્રેશનમાં ફેરવાયુ હતું જેથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રીક વરસાદની આશા જાગી હતી અને છેલ્લા ત્રણ દિવસથી છુટોછવાયો હળવો મધ્યમ પણ વરસાદ વરસી રહ્યો હતો જેને કારણે ખેડુતો અને લોકોની આશા જાગી હતી પરંતુ કુદરતે વધુ એકવાર નિરાશ કર્યા હતાં અને આ સીસ્ટમ નબળી પડતા હવે ત્રણ-ચાર દિવસ છુટાછવાયા ઝાપટા ચાલુ રહેશે તેવો સંકેત હવામાન વિભાગે આપ્યો છે.
દરમિયાન અરબ સાગરમાં અને હિન્દુ મહાસાગરમાં ચોમાસાના કરંટ સાથે મોસમી પવનોના જોરથી આગામી સોમવારથી બંગાળની ખાડીમાં વધુ એક હવાનું હળવુ દબાણ સર્જાવાનો સંકેત જોવા મળે છે અને દક્ષિણ-પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા લોપ્રેશરની અસર હેઠળ આગામી સપ્તાહમાં ફરી સાર્વત્રીક મેઘ મહેર થવાનો સંકેત હવામાન વિભાગના સ્થાનિક સુત્રો દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
આવા સમયે છેલ્લા ત્રણ દિવસથી થતી છુટી છવાઈ મેઘ મહેરમાં આજે સવારે 8 વાગે પુરા થતા 24 કલાક દરમિયાન મુંદ્રા 1 ઈંચ, ગીરગઢડા અડધો, રાજકોટ જામનગર ખંભાળીયા અડધો ઈંચ, ચોટીલા માળીયાહાટીના વડીયા માંડવી જામકંડોરણા ધ્રોલ દ્વારકા ગાંધીધામ ઉપલેટા મેંદરડા અંજાર ભેંસાણ જેતપુર જુનાગઢ કેશોદ વેરાવળ સહિતના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા સાથે 1 થી 8 મીમી સુધી વરસાદ વરસી ગયાના વાવડ મળ્યા છે. જો કે હાલમાં હવામાન ખુલ્લુ હોય ભારે વરસાદની શકયતા જોવા મળતી નથી.
રાજકોટ
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલા બદલાવથી ધાબડીયુ વાતાવરણ બની રહ્યુ હતું તેવામાં ગઈકાલે વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરથી રાત સુધી અવાર-નવાર શહેરના અલગ અલગ વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટા વારંવાર ચાલુ રહ્યા હતાં જેને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. જો કે રાત્રીના સમયે હવામાન ખુલ્લુ થઈ ગયુ હતું અને આજે સવારે સૂર્યનારાયણ દેવ પૂર્ણ રીતે પ્રકાશીત અવસ્થામાં જોવા મળતા હતાં.