સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં વિશ્ર્વ સિંહ દિનની શાનદાર ઉજવણી

  • સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં વિશ્ર્વ સિંહ દિનની શાનદાર ઉજવણી


સાવજને સલામ : 8 લાખ બાળકો સિંહના મહોરા પહેરી રેલીમાં જોડાયા
સિંહ પરની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ, સિંહ સંરક્ષણ માટે 40 તાલુકાની શાળાઓમાં લેવડાવાઈ સામૂહિક પ્રતિજ્ઞા
રાજકોટ તા,10
આજે 10મી ઓગષ્ટે વિશ્ર્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 40 તાલુકાઓમાં 8 લાખથી વધુ બાળકોએ સાવજના મહોરા ધારણ કરીને એક સાથે વિશાળ રેલી કાઢી હતી. સિંહોના સંરક્ષણ અને જતન માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ દિવસની ઉજવણી વિશ્ર્વમાં જોવા મળતા એશિયાઈ અને આફ્રિકન સિંહોની અગત્યતાને દર્શાવે છે. સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક, પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે ઘણું અલગ અને આગવું મહત્વ ધરાવતું પ્રાણી છે. સમગ્ર વિશ્ર્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
એશીયાઈ સિંહ માત્ર ભારત દેશના, ગુજરાત રાજયના સૌરાષ્ટ્રના વિસ્તારમાં વિહરતો જોવા મળે છે. એશીયાઈ સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું ખુબજ મોટું યોગદાન રહેલું છે. સ્થાનિક લોકોનાં સહકાર, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત વન વિભાગની મહેનતના પરિણામે એશિયાઈ સિંહોની વસ્તીમાં વધારો થયો છે જેના પરિણામ સ્વરૂપ એશીયાઈ સિંહો ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૌરાષ્ટ્રના 22000 ચો. કી.મી.માં વિહરતા થયા છે. લોકોમાં એશીયાઈ સિંહ પ્રત્યે જાગૃતિ આવે અને લોકો તેના સંરક્ષણ અને સંવર્ધનમાં મદદરૂપ થાય તે હેતુથી અગ્ર મુખ્ય વન સંરક્ષણ તથા વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢના મુખ્ય વન સંરક્ષણના માર્ગદર્શન અને વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીરના નાયબ વન સંરક્ષણની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રના 5 જીલ્લાના 40 તાલુકામાં વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું.
10 ઓગષ્ટ વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જીલ્લાનાં કુલ 40 તાલુકાઓની (5108 પ્રાથમિક શાળા, ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને કોલેજો)ના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો, પ્રકૃતિ પ્રેમીઓ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા સવારે 11 કલાકે શાળાઓના પટાંગણમાંથી નિયત કરેલ રૂટ પર બેનર, સિંહના મોહરા પહેરી સિંહના સંરક્ષણનાં નારા સાથે એક ઐતિહાસિક મહારેલી નિકળી હતી. આ મહારેલી પૂર્ણ કરી રેલીમાં ભાગ લેનાર બધા લોકો નિયત કરેલ સ્થળ પર એકઠા થયા. જયાં સિંહ પર બનેલી 15 મિનીટની ડોક્યુમેન્ટરી મુવી બતાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સિંહને લગત એક વક્તવ્ય રજુ કરાયા બાદ મહારેલીમાં જોડાયેલ તમામ લોકો દ્વારા સિંહ સંરક્ષણ માટે સંકલ્પ (પ્રતિજ્ઞા) લેવામાં આવી હતી અને દરેક શાળાનાં આચાર્ય/કોઓર્ડીનેટર દ્વારા એક વક્તવ્ય રજુ કર્યા હતા.
તાલુકા અને જિલ્લા લેવલની મહારેલીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો જોડાશે. લોકોને ઉત્સાહીત કરવા અને પ્રોત્સાહન પુરુ પાડવા વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ રેલીઓમાં જોડાયા છે.
સાસણ-ગીર ખાતે માલધારી આશ્રમ શાળાએથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો, ગાઈડો, વાહન ડ્રાઈવર તેમજ વન ખાતાના સ્ટાફની રેલી નીકળી હતી. જેને એ.કે.સક્સેના (અગ્ર મુખ્ય વન સંરક્ષક, વન્યજીવ, ગુજરાત રાજય, ગાંધીનગર) ડી.ટી. વસાવડા, (મુખ્ય વન સંરક્ષણ, વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢ) અને ડો.મોહન રામ (નાયબ વન સંરક્ષક) વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર) દ્વારા લીલીઝંડી આપી શરુ કરવામાં આવી હતી. તેમજ બેનર સાથે શણગારેલ જિપ્સીને અલગ અલગ પાંચ રૂટ બનાવી આજુબાજુના ગામોમાં સિંહ સંરક્ષણની જાગૃતિ માટેના કાર્યક્રમના ભાગરૂપે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું છે.
ભુતકાળમાં એશિયાઈ સિંહની પ્રજાતી લુપ્ત થવાને આરે હતી. પરંતુ સૌરાષ્ટ્રના સ્થાનિક લોકોની સિંહ સંરક્ષણમાં ભાગીદારી અને વન વિભાગની મહેનતના પરિણામે સિંહની સંખ્યામાં વૃધ્ધિ થઇ છે.