જસદણમાં મહિલા કોલેજ બનાવવા માંગ

  • જસદણમાં મહિલા કોલેજ બનાવવા માંગ

નગરપાલિકાના પ્રમુખની મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત: સુવિધાના અભાવે પંથકની દીકરીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત
જસદણ, તા. 10
જસદણ ન.પા.ના પ્રમુખ રમાબેન મકવાણાએ મંત્રી કુવરજીભાઈ બાવળીયાને પત્ર લખી રજૂઆત કરી છે કે, જસદણ તાલુકા અને શહેરમાં ખૂબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરીને ગ્રેજયુએશન કરવા માટે જસદણની કોલેજમાં અભ્યાસ કરવા માટે આવે છે. પરંતુ બધા વિદ્યાર્થીઓને એડમીશન મળી શકતુ નથી. જેના લીધે ઘણા વિદ્યાર્થીઓને રાજકોટ કોલેજ કરવા માટે જવુ પડે છે. અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી બહેનો રાજકોટ અપ ડાઉન ન કરી શકવાના કારણે ધો.12 પછીનો અભ્યાસ છોડી દે છે. રાજય સરકાર દીકરીઓના અભ્યાસ બાબતે દરેક પ્રકારે સહાય કરવા માટે કટીબદ્ધ હોય ત્યારે આપણા તાલુકાની દીકરીઓ અભ્યાસ અધુરો છોડી દે એ દુ:ખદ બાબત છે. તો દીકરીઓ ઓછા ખર્ચમાં સારો અભ્યાસ કરી શકે તે માટે મહિલા સરકારી કોલેજની ખૂબજ જરૂરીયાત જણાય છે તો આપ વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા હોય અમારી લાગણી ચોકકસથી સમજીને યોગ્ય પગલા લેશો તેવી રજૂઆત કરી છે.