જૂનાગઢમાં 14મીએ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલથી ત્રિરંગા યાત્રા નીકળશે

  • જૂનાગઢમાં 14મીએ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલથી ત્રિરંગા યાત્રા નીકળશે

એપ્રેન્ટિસશિપ યોજના અંગે માર્ગદર્શન અપાયું
રોજગાર ભરતી મેળાનું આયોજન
જૂનાગઢ તા.10
જૂનાગઢ મહાનગર સહીત જિલ્લાભરમાં ગામે ગામ આગામી તા. 15 ઓગષ્ટ 2018નાં સ્વાતંત્ર્યદિન પર્વની રંગેચંગે ઉજવણી થનાર છે. જૂનાગઢ જિલ્લાનાં નગરજનો રાષ્ટ્રીય પર્વની ઉજવણી પુરા ઉત્સાહ અને ઉમંગથી થાય તે માટે આયોજન કરી રહ્યા છે ત્યારે તા. 14 ઓગષ્ટનાં સાંજના સાડા પાંચ કલાકે શહેરની ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કુલનાં પરિસરથી એક ત્રિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ તીરંગાયાત્રાને જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, સમાજસેવી સંસ્થાનાં પ્રતિનીધીશ્રીઓ પ્રસ્થાન કરાવશે.
આ યાત્રા જૂનાગઢનાં રોજમાર્ગ પર પરિભ્રમણ કરી બહાઉદ્દિન કોલેજ પરિસરમાં પહોંચશે જ્યાં નગર શ્રેષ્ઠીઓ અને અધીકારીઓ મશાલ પ્રજવ્વલીત કરી સંકલ્પ લેશે. ત્યારે નિવાસી અધીક કલેકટર ડી.કે.બારીયાએ જૂનાગઢના નગરજનોને ત્રિરંગા યાત્રામાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
કુપોષણ નાબૂદી પરિસંવાદ
મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણી અંતર્ગત જૂનાગઢ જોષીપરા સ્થિત શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ જોષીપુરા ખાતે તા. 10મી ઓગષ્ટે બપોરે 1 થી 4 કલાક દરમ્યાન મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે.
રોજગાર ભરતી મેળો
જિલ્લા રોજગાર વિનીમય કચેરી જૂનાગઢ દ્વારા ખાનગી નોકરીદાતાઓનાં સહયોગથી ખાનગી નોકરી દાતા પાસેથી જુદી જુદી ખાલી જગ્યાઓ મેળવીને તા. 13 ઓગષ્ટનાં રોજ બપોરે 12-00 કલાકે મહિલા આઇટી.આઇ. જૂનાગઢ ખાતે એક ફકત મહિલાઓ માટેના રોજગાર ભરતી મેળાનું નું આયોજન કરવામાં આવેલ છે.
એપ્રેન્ટિસશિપ યોજના અંગે માર્ગદર્શન
જૂનાગઢ તા.8, રાજ્યનાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સને 2018-19ના વર્ષમાં અમલમાં મુકેલ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે આપેલા લક્ષ્યાંક સિધ્ધ કરેલ હોય અને થયેલ કામગીરી બાબતે તથા કરવામાં આવનાર કામગીરીનાં માર્ગદર્શન હેતુ રાજ્યનાં શ્રમ અને રોજગાર વિભાગનાં મુખ્ય સચિવશ્રી વિડીયોકોન્ફરન્સનાં માધ્યમથી જૂનાગઢનાં અધિકારીઓને સંબોધન કર્યુ હતુ. મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના કાર્ય સાથે સંકળાયેલ અધિકારીઓએ વિડીયોકોન્ફરન્સ કક્ષમાં ઉપસ્થિત રહી ગાંધીનગરથી વિડીયોકોન્ફરન્સનાં માધ્યમે વરિષ્ઠ અધીકારીઓ સાથે સંવાદ સાધી યોજના અમલીકરણ અંગે જાણકારી મેળવી હતી. આ કોન્ફરન્સમાં ચિફ સેક્રેટરી શ્રમ અને રોજગાર વીભાગ દ્વારા જૂનાગઢની થયેલ કામગીરી અને આવનાર દિવસોમાં હાથ ધરાનાર કામગીરીની વિગતોની જાણકારી હાંસલ કરી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર ડો. સૈારભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવિણ ચૈાધરી, જૂનાગઢ મ્યુનિ. કમિશ્નરશ્રી પ્રકાશ સોલંકી, તથા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ કાર્યક્રમ અમલીકરણ અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિસાવદર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મોણીયામાં થશે
વિસાવદર તાલુકાનો તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગષ્ટ 2018ની ઉજવણી મોણીયા ખાતે રાધીકા પ્રાયમરી શાળાનાં ગ્રાઉન્ડ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિસાવદર તાલુકાનાં નાગરીકોએ ઉપસ્થિત રહેવા મામલતદાર જૂનાગઢ(ગ્રામ્ય) વાઇ.આર.ગોસાઇની યાદીમાં જણાવાયુ છે.