અમરીશ પુરીનો પૌત્ર વર્ધન દાદાનો વારસો આગળ વધારશે

  • અમરીશ પુરીનો પૌત્ર વર્ધન દાદાનો વારસો આગળ વધારશે

મુંબઈ તા,10
બોલિવૂડમાં ‘મોગેમ્બો’ના નામથી લોકપ્રિય અમરિષ પુરીનો પૌત્ર વર્ધન પુરી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યો છે. વર્ધન પોતાના દાદાના વારસાને આગળ વધારવા માંગે છે. વર્ધન ફિલ્મ પ્રોડ્યુસર જયંતીલાલ ગડાની ફિલ્મથી ડેબ્યૂ કરશે. જોકે, આ ફિલ્મનું નામ હજી નક્કી કરવામાં આવ્યું નથી. વર્ધન એક સમયે ક્રૂ મેમ્બર્સને ચા પીવડાવતો અને સ્ટેજ સાફ કરવાનું કામ કરતો હતો. વર્ધને યશરાજ બેનરની ત્રણ ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.
સપ્ટેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. વર્ધને અત્યારે જ ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી છે. વર્ધને યશરાજ બેનરની ફિલ્મ ‘ઈશકઝાદે’, શુદ્ધ દેસી રોમાન્સ ‘તથા’ દાવત-એ-ઈશ્કમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. એક ઈન્ટરવ્યૂમાં વર્ધને કહ્યું હતું, હું પીરિયડ ડ્રામા ફિલ્મથી ડેબ્યૂ કરવા માંગતો હતો. જોકે, કેટલાંક કારણોસર વાત શક્ય ના બની, જ્યારે જયંતીલાલ ગડાએ મને આ ફિલ્મની ઓફર કરી તો મને આ ફિલ્મની વાર્તા ઘણી જ પસંદ આવી.
વર્ધન પોતાના સ્વ. દાદા અમરિષ પુરીના ગુરૂ તથા નેશનલ એવોર્ડ વિનર એક્ટર સત્યદેવ દૂબે પાસેથી ટ્રેનિંગ લે છે. વર્ધને કહ્યું હતું, ‘મને લખવાનો તથા ડિરેક્શનનો ઘણો જ શોખ છે. દુબેજીએ મને બેકસ્ટેજમાં પણ કામ આપ્યું હતું. હું કાસ્ટ તથા ક્રૂને ચા પીવડાવતો હતો અને સ્ટેજ સાફ કરતો હતો. બીજાને એક્ટિંગ કરતા જોઈને મને પણ એક્ટિંગ કરવાનો શોખ થયો હતો.’ દાદુની ઈચ્છા પણ એવી જ હતી કે હું ફિલ્મ્સમાં કામ કરું. એમની ઈચ્છા પૂરી કરવા માટે જ હું ફિલ્મમાં ડેબ્યૂ કરી રહ્યો છું.
વર્ધને કહ્યું હતું, મારા માટે દાદુ ભગવાનની જેમ છે. જેમની હું પૂજા કરું છું. હું દાદુની ઘણી જ નિકટ હતો. હું દાદા-દાદીની વચ્ચે સૂઈ જતો હતો. મારા માટે તેમનું જવું એક આઘાત સમાન હતું. જોકે, પછી મેં વિચાર્યું કે હું તેમના માટે કંઈક કરું અને આ ફિલ્મ તેમના માટે જ છે. નોંધનીય છે કે વર્ધન ચાર્લી ચેમ્પિલ, કિશોર કુમાર તથા અમિરષ પુરીનો ફેન છે.