જેટલીએ મોદીને હાથ જોડ્યા, હાથ મિલાવ્યા નહીં!

  • જેટલીએ મોદીને હાથ જોડ્યા, હાથ મિલાવ્યા નહીં!

ડોકટરની સલાહ મુજબ વર્ત્યા નાણામંત્રી
નવી દિલ્હી તા.10
સંસદમાં ગરૂવારનો દિવસ સંપૂર્ણપણે રાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટણીનો જ હતો. પરંતુ આ દિવસ એ દ્રષ્ટિથી મહત્વપૂર્ણ રહ્યો કે અંદાજે ત્રણ મહિનાના આરામ બાદ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી સંસદમાં પહોંચ્યા હતા. આ દરમ્યાન એક દિલચસ્પ ઘટના બની. હરિવંશ સિંહને રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે પસંદ કરાયા બાદ અભિનંદન પાઠવવાના ક્રમમાં જ્યારે પીએમ મોદીએ અરૂણ જેટલીની તરફ હાથ આગળ કર્યો તો તેમણે હાથ મિલાવાની ના પાડી દીધી.
કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન બાદ અરૂણ જેટલી સંસદમાં પહેલી વખત આવ્યા હતા. તેમણે રાજ્યસભાના સભાપતિની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો. હરિવંશ સિંહની જીત બાદ વડપ્રધાન મોદી અભિનંદન પાઠવવા માટે તેમની સીટ તરફ આગળ વધ્યા અને તેમણે હાથ મિલાવી અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ પાછા ફરતા પોતાની સીટની તરફ આગળ વધતા બાજુમાં બેઠેલા નેતા અરૂણ જેટલીની તરફ હાથ આગળ કર્યો, પરંતુ અરૂણ જેટલીએ હસતા-હસતા સંકેત આપ્યો કે હાથ મિલાવી શકશે નહીં. તેમણે તત્કાલ હાથ જોડી નમસ્કાર કરી દીધા.
તાજેતરમાં થયેલ કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરીના લીધે જેટલીને તેમની તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે. ડોકટર્સની સલાહ છે કે તે લોકોને ઓછામાં ઓછું મળે. તેના લીધે તેઓ છેલ્લાં ત્રણ મહિનાથી ઘરે જ બેઠા હતા. તેમના નાણાં મંત્રાલયનો કારભાર પણ હાલ રેલવે મંત્રી પિયૂષ ગોયલ સંભાળી રહ્યાં છે. એટલે સુદ્ધાં કે રાજ્યસભાના સભાપતિ વેકૈંયા નાયડુને પહેલાં જ દિવસે ગૃહમાં એ ચેતવણી આપવી પડી કે અરૂણ જેટલીને કોઇ અડવાની કે તેમની નજીક જવાની કોશિષ ના કરો, કારણ કે તેમની તબિયત સુધારાના ક્રમમાં જ છે. જેટલીએ ગૃહની બહાર પોતાના ચહેરા પર એક માસ્કર બાંધેલું હતું, પરંતુ ગૃહમાં અંદર તેમણે તેને હટાવી લીધું હતું. એવા સંકેત પણ છે કે તેઓ ટૂંક સમયમાં જ તેમનું કામ સંભાળી લેશે.