લોર્ડસ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદે ધોઈ નાંખ્યો

  • લોર્ડસ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદે ધોઈ નાંખ્યો

આખા દિવસની રમત ધોવાઈ ગઈ હોય તેવું 17 વર્ષ બન્યું
લંડન તા.10
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈ કાલે પાંચ મેચવાળી ટેસ્ટ-શ્રેણીનો બીજો મુકાબલો શરૂ નહોતો થઈ શક્યો. વરસાદને લીધે અને પછીથી આઉટફીલ્ડ ભીનું હોવાને કારણે આખા દિવસની રમત ધોવાઈ ગઈ હતી. ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં ટેસ્ટનો કોઈ આખો દિવસ વરસાદને લીધે ન થઈ શક્યો હોય એવું અગાઉ મે, 2001માં બન્યું હતું. એ મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને એક દાવથી હરાવી દીધું હતું. પેસ બોલર ડેરેન ગોફે મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી.
ગઈ કાલે ભારત-ઇંગ્લેન્ડના મુકાબલામાં ટોસ પણ નહોતો થઈ શક્યો અને અગિયાર ખેલાડીઓની ટીમ પણ જાહેર નહોતી કરાઈ. આજે પણ હળવા વરસાદની આગાહી છે. ટોસ જીતનારી ટીમ પહેલાં ફીલ્ડિંગ લેવાનું જ કદાચ પસંદ કરશે.
ઇંગ્લેન્ડના સમય મુજબ સવારે 11.00 વાગ્યે મેચ શરૂ થવાની હતી, પરંતુ એ નહોતી થઈ શકી. બન્ને ટીમે ઘણી રાહ જોયા પછી લંચનો અને પછીથી ટી-બ્રેક લઈ લીધો હતો. ત્યાર પછી પણ રમત ન રમાતાં સાંજે 4.49 વાગ્યે અમ્પાયરો અલીમ દર અને મારાઇસે જાહેર કર્યું કે હવે રમત શક્ય નથી ત્યારે સ્ટેડિયમમાંથી પ્રેક્ષકોના એક વર્ગે તેમનો હુરિયો બોલાવ્યો હતો. આખા દિવસમાં એકેય બોલ ન ફેંકાતાં પ્રેક્ષકોને પ્રથમ દિવસનું રીફંડ મળશે.