દક્ષિણ આફ્રિકા સામે લગલગાટ 11 વન ડેમાં હાર પછી શ્રીલંકા જીત્યું

  • દક્ષિણ આફ્રિકા સામે લગલગાટ 11  વન ડેમાં હાર પછી શ્રીલંકા જીત્યું

પલ્લેકેલ તા.10
શ્રીલંકા આગલી લાગલગાટ 11 વન-ડેમાં સાઉથ આફ્રિકા સામે જીતી નહોતું શક્યું, પરંતુ બુધવારે ખાસ કરીને ચાર ખેલાડીઓએ શ્રીલંકાને સિરીઝની ચોથી વન-ડેમાં જીત અપાવીને પરાજયની હારમાળા થંભાવી દીધી હતી. જોકે, સાઉથ આફ્રિકા આ શ્રેણી જીતી ચૂક્યું છે અને પાંચ મેચના મુકાબલામાં 3-1થી આગળ છે.
બુધવારે શ્રીલંકાએ વરસાદને લીધે 39 ઓવરની કરવામાં આવેલી મેચમાં 7 વિકેટે 306 રન બનાવ્યા હતા.
જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ પછીથી વધુ ટૂંકાવવામાં આવેલી ઇનિંગ્સમાં નિર્ધારિત 21 ઓવરમાં 191 રનના લક્ષ્યાંક સામે 9 વિકેટે 187 રન બનાવ્યા હતા અને માત્ર 3 રનથી એનો પરાજય થયો હતો.
આ પ્રવાસી ટીમમાં હાશિમ અમલાના 40 રન સૌથી વધુ અને જે. પી. ડુમિનીના 38 રન બીજા નંબરે હતા.
શ્રીલંકાના જે ચાર પ્લેયરોએ સૌથી સારું પર્ફોર્મ કર્યું હતું એમાં દાસુન શનાકા (65 રન, 34 બોલ, પાંચ સિક્સર, ચાર ફોર તેમ જ એક વિકેટ), સુરંગા લકમલ (46 રનમાં ત્રણ વિકેટ), કુસાલ પરેરા (51 રન, 32 બોલ, બે સિક્સર, છ ફોર) તથા થિસારા પરેરા (51 અણનમ, 45 બોલ, બે સિક્સર, ત્રણ ફોર તેમ જ બે વિકેટ)નો સમાવેશ હતો. શનાકાને મેન ઑફ ધ મેચનો પુરસ્કાર અપાયો હતો.