ન્યારી-2 ડેમ ઓવરફ્લો 7 ગામોને એલર્ટ કરાયા

  • ન્યારી-2 ડેમ ઓવરફ્લો 7 ગામોને એલર્ટ કરાયા

આજી, ભાદર સહિત 13 જળાશયોની સપાટીમાં સામાન્ય વધારો
રાજકોટ તા. 21
રાજકોટનો ન્યારી-ર ડેમ આજે ઓવરફ્લો થઇ ગયાનું સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું છે. રાજકોટમાં જળસંકટ સર્જાય ત્યારે ઉપયોગી બનતો ન્યારી-2 ડેમ આજે બપોરે છલકાઇ જતાં કોર્પોરેશનના તંત્રને પણ રાહત થઇ છે. ગતરાત્રીના બે ફૂટ બાકી રહેલ ડેમમાં આજે બપોર સુધીમાં વધુ પાણીનો જથ્થો આવતા ડેમ બપોરે ઓવરફ્લો થઇ ગયો હતો. હજુ પણ પાણીની આવક ચાલુ હોઇ ઓવરફલો થઇ જતાં ઉપરવાસના ગામડાઓને એલર્ટ કરાયા છે. સિંચાઇ વર્તુળ દ્વારા ન્યારી-ર ડેમ ઓવરફલો થવાની સંભાવનાએ ડેમના ઉપરવાસમાં આવતા ગામોને સાવચેત કરાયા છે. જેમાં ન્યારી, તરઘડી, ગોવિંદપરા, ખામટા, રામપર, વણપરી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
બીજીતરફ સૌરાષ્ટ્રમાં મેઘરાજાના વિરામ વચ્ચે રાજકોટ, મોરબી અને દ્વારકા જિલ્લાના એકડગ્રનથી વધુ ડેમમાં એકાદ ફૂટ સુધી પાણીની આવક ચાલુ રહી હતી ભાદર સહિતના ડેમમાં ધીમીગતિએ પાણી આવતા જળસપાટીમાં વધારો થયો છે. ભાદર ડેમમાં 0.7 ફૂટ પાણી આવતા ડેમની સપાટી 25.70 ફૂટે પહોચી છે. ડેમ હજૂ 8.30 ફૂટ ખાલી છે જો કે ગોંડલ પંથકમાં પડલ ભારે વરસાદના કારણે ડેમ અડધો ભરાઈ ગયો છે. રાજકોટના આજી-1માં પણ 0.20 ફૂટ પાણી આવ્યું છે. ધીમીગતિ એ આજી ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા
ડેમની સપાટીની 16.80 ફૂટે પહોચી ગઈ છે. ડેમ છલકાવામાં હજૂ 12.20 ફૂટ છેટુ છે.જ્યારે ફોફળ ડેમમાં 0.10, આજી-3 માં 0.98, સોડવદરમાં 0.66, વાછપરીમાં 0.30, ન્યારી-2 માં 0.26 ફૂટ પાણી આવ્યું છે. અને ભાદર-2માં 0.16 ફૂટ પાણી આવ્યું છે.
આમ રાજકોટ જિલ્લામાં આવેલ 25 ડેમમાંથી આઠ ડેમમાં ધીમી ધારે પાણીની આવક ચાલુ રહેતા તમામ ડેમમાં 56.72 ટકા જળ જથ્થો સંગ્રહ થયો હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.
મોરબીનાં ચાર ડેમમાં પણ પાણીની આવક થઈ છે. તેમાં મચ્છુ-2 ડેમમાં 0.16, ડેમી-1માં 0.46, બંગાવડીમાં 0.26 અને મચ્છુ 2 ડેમમાં 0.23 ફૂટ પાણી આવ્યું છે. દ્વારકા જિલ્લાના એક ડઝન ડેમમાંથી માત્ર એક જ ડેમ વર્તુ-1માં 0.66 ફૂટ પાણી આવ્યું છે. (તસવીર: રવિ ગોંડલિયા)