6 લાખનું ડેઈલી 6 હજાર વ્યાજ : લાચારે ઝેર પીધું

રાજુલાના વરેરા ગામનાં માથાભારે વ્યાજખોર સામે ફરિયાદ : પગલા લેવાશે? અમરેલી તા,13
અમરેલી પંથકમાં વ્યાજ માફિયાઓએ હવે માજા મુકી છે. લોકોને વ્યાજે પૈસા ધરી બેફામ વ્યાજ પડાવી મકાન સંપતિ પડાવી લેવાનાં કિસ્સાઓમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે ત્યારે એક લાચારને રૂા.6 લાખ આપી દરરોજ 6 હજાર વ્યાજ પડાવી હવે મકાન-દુકાન પડાવવા કારસો થતા આધેડે આપઘાત કરી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ વિજપડી ગામે રહેતા અને હોટલનો ધંધો કરતા ઈરફાનભાઇ ઈકબાલભાઇ ચૌહાણ નામના 21 વર્ષીય યુવાનના પિતાએ રાજુલા તાલુકાના વાવેરા ગામે રહેતા પ્રકાશભાઇ સાવજભાઇ ચાંદુ પાસેથી દોઢેક વર્ષ પહેલા ઈરફાનભાઇ તથા તેમની બહેનની સગાઈ કરવા માટે રૂા. 1 લાખ રૂપિયા લીધેલા જેમનું વ્યાજ દરરોજ રૂા.1 હજાર આપવાની શરતે લીધા હતા.
બાદમાં આ પુત્ર-પુત્રીના લગ્ન કરવા માટે પાંચેક માસ પહેલા ફરી રૂા. 4 લાખ વ્યાજે લીધા હતા અને બાદમાં દુકાનો બનાવવા માટે 1 લાખ વ્યાજે લીધા હતા અને આ તમામ રૂપિયા દુકાનો વેચીને આપવાની શરતે દરરોજ રૂપિયા 6500 જેટલુ વ્યાજ ચુકવતા હતા.
પરંતુ કયારેક ઈકબાલભાઇ ચૌહાણ પાસે વ્યાજનાં નાણા ચુકવવાના ન હોય તો પણ ઉછીના લઇ વ્યાજબી રકમ ચુકવતા હતા.
હાલમાં મંદીનો માહોલ હોય જેથી તેઓ હપ્તા અને વ્યાજ ચુકવવાના ચુકી ગયા હતા. જેના કારણે વ્યાજ અને મુદત રકમ મળી કુલ રૂા.15 લાખની ઉઘરાણી સામાવાળા પ્રકાશભાઇ ચાંદુએ કરતા તેમજ દરરોજ આ ઈકબાલભાઇ ચૌહાણને મોબાઈલ ફોનમાં જેમ ફાવે તેમ બોલી ધાક-ધમકી આપી વ્યાજ સહિતની મુદત રકમની ઉઘરાણી કરતા અને દુકાન વેંચી મારે તો પણ પૈસા પુરી થઇ શકે તેમ ન હોય અને લેણદાર દબાણ કરતા હોવાથી આ ઈકબાલભાઇ હબીબભાઇ ચૌહાણ નામના 42 વર્ષીય આધેડે ગત તા.11/7ના રોજ સાંજે 4:30 કલાકે વિજપડી-ાછપરી જવાના રસ્તે ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમીયાન મોત થતા ઈરફાનભાઇ ચૌહાણે વાવેરા ગામના પ્રકાશ સાવજભાઇ ચાંદુ સામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં 306, 507 મની લેન્ડર્સ એક્ટ (બીલ) 2011ની કલમ 5,40,42 મુજબ ફરીયાદ નોંધાવતા સાવરકુંડલા રૂરલ પી.એસ.આઈ. ડી.કે. સરવૈયાએ વધુ તપાસ હાથ ધરી છે.