દ્વારકા જિલ્લાની ક્રાઇમ ડાયરી

જામખંભાળિયા,તા.13
જૂગારધામ ઝડપાયું
ભાણવડ તાબેના કાટકોલા ગામે રહેતા બાબુ રામાભાઇ કરમુર નામના શખ્સે પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપત્તા વડે તિનપતી નામનો જુગાર રમી રહેલા દામજી પ્રેમજીભાઇ ધોકીયા, દેવા ભાયાભાઇ દાસા, ગોવિંદ કાનાભાઇ જોગલ, ચંદુભાઇ ત્રિકમભાઇ કટેસરીયા અને પાલાભાઇ ગોગન મકવાણા નામના પાંચ શખ્સોને પોલીસે રૂા.25,730/-ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જ્યારે મકાન માલીક બાબુભાઇ કરમુર પોલીસને હાથ ન લાગતાં પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.
ઘાતક હુમલો
ઓખા મંડળના આરંભડા ગામે રહેતા મામદભાઇ ઇલીયાસભાઇ સોઢા નામના 30 વર્ષના ભાડેલા મુસ્લીમ યુવાન પર અબ્દુલ ખમીસા ઉર્ફે કારાભાઇ બેતારા નામના શખ્સે લોખંડના સળિયા વડે ઘાતક હૂમલો કરી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
હુમલો
મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા બાબાભાઇ નરભેરામ સરપદડીયા નામના 31 વર્ષના બાવબાજી યુવાન સાથે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી, સુરજકરાડી વિસ્તારમાં આબીદ વાલુકડા, થાર્યાભા અને રતનજી નામના ત્રણ શખ્સો એ ટોમી તથા લાકડી જેવા હથિયાર વડે ઘાતક હૂમલો કરતાં બાબાભાઇને ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ થવા પામી હતી.
વિદેશી દારૂ
ખંભાળિયા તાલુકાના ચુડેશ્ર્વર વિસ્તારમાં રહેતા રણજીતસિંહ દુજાજી જાડેજા (ઉ.વ.37)ને સલાયા મરીન પોલીસે રૂા.છ હાજરની કિંમતની બાર બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.
પ્રૌઢને ઇજા
ખંભાળિયા તાલુકાની મોટી ખોખરી ગામે રહેતા આહિર અરજણભાઇ ડેરગઇ તા.27મીમેના રોજ પુનમ ભરવા માટે ચાલીને દ્વારકા જઇ રહ્યા હતા, ત્યારે સાંજના સમયે કલ્યાણપુરથી 26 કી.મી. દૂર ચોકીવાડ ચોકડી પાસે પહોંચતા આ માર્ગ પર જઇ રહેલા જી.જે.3 એ.એક્સ.1370 નંબરના એક બોલેરો વાહનના ચાલકે અરજણભાઇને ઠોકરે લેતાં તેમને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
વર્લી
ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ પરથી ગઇકાલે સાંજે એસ.ઓ.જી. સ્ટાફના સુરેશભાઇ વાનરીયા વિગેરેએ હાજાભાઇ નાથાભાઇ રૂડાચ (ઉ.વ.60)ને વર્લી-મટકાના આંકડા લખી પૈસાની લેતી-દેતી કરતાં રૂા.5970-00ની રોકડ રકમ તથા વર્લીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.
વિદેશી દારૂ
ભાણવડ તાબેના રાણપર ગામે રહેતા અમરા ઉર્ફે કાંધલ દેવરાજભાઇ કોડીયાતર (ઉ.વ.35) નામના રબારી યુવાને તેના ઘરમાં છૂપાવી રાખેલી રૂા.1600/-ની કિંમતની ચાર બોટલ પરપ્રાંતિય શરાબ સાથે પોલીસે તેની ધરપકડ કરી હતી.