રાજકોટના કારખાનેદારનો કાકાના ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઈ આપઘાત

રાજકોટ તા,13
રાજકોટના સહકાર સોસાયટીમાં રહેતા કારખાનેદાર યુવાને શહેરની ભાગોળે ભાવનગર રોડ ઉપર મહિકાના પાટિયા પાસે આવેલા તેના કાકાના ફાર્મહાઉસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. માસીયાઈભાઈને પાણીની બોટલ લેવા મોકલી બાદમાં આ પગલું ભરી લીધુ હતું. કારખાનામાં મંદિ આવતા આપઘાત કરી લીધાનો પ્રાથમિક અનુમાન પોલીસે વ્યકત કર્યું છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર સહકાર સોસાયટી શેરી નં.8માં રહેતા કિશોરભાઈ નારણભાઈ રાઠોડ (ઉ.37) નામનો યુવાન ગઈકાલે તેના માસીયાઈ ભાઈ પ્રકાશ જનકભાઈ ગરૈયા સાથે સ્કૂટર લઈ ભાવનગર રોડ પર મહિકાના પાટિયા પાસે આવેલા તેના કાકા લાભુભાઈના ગેલેકસી ફાર્મ હાઉસમાં આટો મારવા ગયા હતા ત્યારે માસીયાઈ ભાઈને પાણીની બોટલ લેવા બહાર મોકલી બાદમાં કિશોરભાઈએ ફાર્મહાઉસના ઉપરના માળે રૂમમાં છતના હુક સાથે ડિસકનેકશનનો વાયર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માસીયાઈ ભાઈ પાણી લઈ પરત આવતા કિશોરભાઈને લટકતા જોઈ હતપ્રભ બની ગયો હતો.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હે.કોન્સ. જીતુભાઈ ભમ્મર અને રાઈટર દિગવિજયસિંહ રાણા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક કિશોરભાઈ એકના એક ભાઈ હોવાનું અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે તથા તેઓ અટિકા વિસ્તારમાં સ્વામીનારાયણ એન્જિનિયરીંગ નામે કારખાનુ ધરાવતા હતા. કારખાનામાં છેલ્લા થોડા સમયથી કામ ચાલતુ ન હોય જેથી આર્થિકભીંસના લીધે આ પગલુ ભરી લીધાનું પ્રાથમિક અનુમાન પોલીસે વ્યકત કર્યું છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં આહિર પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.