જોડિયા નજીક બાઇક ઉપરથી પટકાતા પડાણાના મહિલાનું મોત નિપજ્યું


જામનગર,તા.13
જાડિયામાં ચાલુ બાઇક પરથી પટકાતા એક મહિલાનું મૃત્યુ થયું છે.
જોડીયા તાલુકાના પડાણા ગામમાં રહેતી ક્રિષ્નાબેન ઘનશ્યામભાઇ જાવીયા નામની 35 વર્ષની કડીયા યુવતિ તા. 25-6-18ના દિવસે પોતાના પતિના બાઇકની પાછળ બેસીને બસમાં બેસવા માટે માવના ગામના પાટીયા તરફ જઇ રહી હતી જે દરમ્યાન એકાએક ચક્કર આવી જતા બાઇક ઉપરથી પટકાઇ પડી હતી અને તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ છે જોડીયા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
ઝાડ પરથી પટકાતા મોત
જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતો અને ખેતીકામ કરતો કુંવરસીંગ નાનસીંગ બુટીયા નામનો શ્રમિક યુવાન ધુંવાવ ગામમાં ઝાડ ઉપર ચડીને દાતરડા વડે ડાળીઓ કાપી રહ્યો હતો જે દરમ્યાન અકસ્માતે ઝાડ ઉપરથી નીચે પટકાઇ પડતા તેને સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું છે.
કાર ચાલક સામે ગુનો
જામનગરમાં ગુલાબનગર નજીક સત્યસાંઇનગર વિસ્તારમાં રહેતો અને કડીયા કામનો કોન્ટ્રાકટર ભવાનભાઇ જીવરાજભાઇ રામપરીયા નામનો કોન્ટ્રાકટર પોતાની જીજે-12 પી 2906 નંબરની સેન્ટ્રોકાર દારૂનો નશો કરીને ચલાવી ગુલાબનગર પોલીસ ચોકીની સામે આવેલા ડીવાઇડર ઉપર ચડાવી દીધી હતી આ બનાવ પછી પોલીસે કાર ચાલક સામે કેફી પીણું પીને કાર ચલાવવા અને અકસ્માત સર્જવા અંગે ગુન્હો નોંધી ધરપકડ કરી લીધી છે અને કાર કબ્જે કરી લીધી છે.
રીક્ષાની ઠોકરે બાઇક ચાલક ઘાયલ
લાલપુરમાં રહેતો અને ખેતીકામ કરતો સિધ્ધરાજસિંહ ચંદુભા જાડેજા નામનો 35 વર્ષનો યુવાન પોતાનું બાઇક લઇને મોટાખડબા ગામના પાટીયા પાસે ઉભો હતો જે દરમ્યાન પાછળથી પુરપાટ વેગે આવી રહેલા જીજે 8 વી 2403 નંબરની રીક્ષાના ચાલકે તેને હડફેટમાં લઇ ફંગોળી નાખતા માથાના તેમજ હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેને સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ કરાયો છે જયારે પોલીસે રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
લાલપુરના રાસંગપરમાંથી છ પતા પ્રેમીઓ પકડાયા
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના રાસંગ પર ગામમાં કેટલાક શખ્સો એકત્ર થઇને ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળતા મેઘપર પોલીસે દરોડો પાડયો હતો જે દરોડો દરમ્યાન છ શખ્સો ગંજીપાના રમી રહેલા નજરે પડયા હતા.
આથી મેઘપર પોલીસે ગંજીપાના ટીંચી રહેલા દેવેન્દ્ર રમણીકલાલ અત્રી, રાણાભાઇ વેજાભાઇ વાળા, ભીખુ ઉર્ફે ગોગરો, મનગભાઇ કોળી, પરબત રણમલભાઇ નંદાણીયા, રમેશ કાનજીભાઇ કરણીયા અને મનસુખ તરસીભાઇ વગેરેની ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારના સાહિત્ય સહિત કુલ
રૂા. 55110 ની માલમત્તા કબ્જે કરી છે.