જામનગરના જીમમાં ટેપ વગાડવા મુદ્દે બબાલ : બે યુવાનો ઉપર હુમલો


જામનગર તા,13
જામનગરના એક જીમમાં ટેપ વગાડવા બાબતે થયેલી બબાલના પગલે બે યુવાનો પર પાંચ શખ્સે હુમલો કર્યો હતો.
જામનગરમાં રામેર નજીક રાજ રાજેરી સોસાયટી શેરી નં. 9 માં રહેતા ભુપેન્દ્રસિંહ જયદેવસિંહ ગોહિલ નામના રાજપૂત યુવાને પોતાના પર તેમજ પોતાના મિત્ર કુલદિપસિંહ ઉપર કમર બેલ્ટ વડે મારમારી ઇજા પહોંચાડવા અંગે બેડી વિસ્તારમાં રહેતા લાદેન રજાક સાઇચા, ઇબ્રાહીમ ઉર્ફે બાપુડી હુશેન પડાયા, અમીન મકરાણી, મોશીન કાસમ અને બશીર જુસબ વગેરે પાંચ શખ્સો સામે સીટી બી. ડીવી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી અને તેનો મિત્ર જામનગરમાં વિરલ બાગ પાસે આવેલા ડેસ્ટીની જીમમાં કસરત કરવા માટે ગયા હતા જયાં ટેપમાં ગીત વાગતું હતું જે ગીત બદલાવવાના પ્રશ્ર્ને ફરિયાદી તેમજ આરોપીને બોલાચાલી થઇ હતી જેનું મનદુ:ખ રાખીને ઉપરોકત પાંચેય શખ્સોએ હુમલો કરી દેતા ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે પાંચેય આરોપીઓ સામે રાયોટીંગ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.