સરકારી યોજનાઓના લાભથી લોકો વંચિત ન રહે એની તંત્રને તાકીદ

  • સરકારી યોજનાઓના લાભથી લોકો વંચિત ન રહે એની તંત્રને તાકીદ

જામનગર તા,13
લોકસુખાકારીની યોજનાઓના લાભથી જરૂરીયાતમંદ લોકો વંચિત ન રહે તે માટે લોકોને માહિતગાર કરવા પદાધિકારીઓ-અધિકારીઓને સાંસદશ્રી પૂનમબેન માડમે સુચિત કર્યા હતા.
કેન્દ્ર તેમજ રાજયની વિવિધલક્ષી વ્યક્તિગત તથા સામુહિક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, ગ્રામિણ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડ્રીંકીગ વોટર પ્રોગ્રામ, ફસલ વિમા યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વ શિક્ષા અભિયાન, કૌશલ વિકાસ યોજના, ડીજીટલ ઇન્ડીયા વગેરે જેવી લોકઉપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમિક્ષા ગંભીરતા પૂર્વક થાય તે માટે ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરી તેની સમિક્ષા બેઠક યોજવામાં આવે છે. આ સંદર્ભે જામનગર સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક કલેકટર કચેરીની સભા ખંડ ખાતે યોજવામાં આવી હતી.
આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યુ કે સરકાર તરફથી લોકઉપયોગી અનેક યોજનાઓ કાર્યવંત છે તે યોજનાઓ સાચા અર્થે લોકો સુધી પહોચે તે માટે લોકોને આ યોજનાઓની સાચી સમજ આપી તેમને જાગૃત કરવા જોઇએ. તેમણે વધુમાં જણાવ્યુ કે શિક્ષણ અને આરોગ્ય સમાજ જીવનના પાયાના આધારસ્તંભ છે ત્યારે સારૂ શિક્ષણ આપવા અને કુપોષણ દુર કરવા માટે લોકોમાં જાગૃતતા લાવવાની ખૂબજ જરૂરીયાત છે. આ તકે સાંસદે જિલ્લામાં કાર્યરત કેન્દ્ર સરકારની યોજનાઓની વિગતવાર સમિક્ષા કરી હતી અને અધિકારીઓ સાથે યોગ્ય પરામર્શ કરી લોકોને યોજનાઓનો પુરો લાભ મળે તે માટે સુચનો કર્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વે વલ્લભભાઇ ધારવીયા, ચિરાગભાઇ કાલરીયા, પ્રવિણભાઇ મુછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, કલેકટરશ્રી રવિ શંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રસશ્તિ પારીક, ડી.આર.ડી.એ. નિયામક ગાંધી, નિવાસી અધિક કલેકટર કેલૈયા, ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.