મોરબીના ચાંચાપર સહિતના ગામો હજી પણ મેઘમહેર થાય તેવી રાહમાં

ચાચાપર (મોરબી), તા. 13
મોરબી તાલુકાના ચાંચાપર પંથકના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ સંચરાધાર થયો ન હોવાથી ધરતીપુત્રોનાં જીવ પડીકે બંધાયા છે. આજ દિન સુધી જેટલો વરસાદ વરસ્યો તે બધો ઝરમરીયો-ઝાપટા સ્વરૂપે વરસ્યો છે રોહીણી નક્ષત્ર કોરી ધાકોડ ગઈ-આજ દિન સુધી ગામ સોંસરવા પાણી નીકળ્યા નથી !! ખેતરો સંચરાધાર વરસાદ વિના કોરા ધાકોડ પડયા છે. રોહીણી નક્ષત્ર કોરૂ ધાકોડ ગયું...માત્ર એકાદ બે સામાન્ય ઝાપટા પડયા !! ત્યાર પછી આરદ્રા નક્ષત્રમાં પણ ઝાપટા જ પડયા...!! અત્યારે બીજો જેઠ માસ વિતવાની અણી પર છે. છતા આકાશમાં વરસાદના કોઈ ચિન્હો જણાતા નથી !! ધરતીપુત્રો કાગની ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે..પણ વાલો ઉતરતો નથી. જેથી ખેડુતોને મુંઝવણનો કોઈ આરોવારો નથી.
વાડી પડામાં જેના કુવામા પાણી છે તેમણે અગાઉ થાપણીયા વાવેતરો કપાસ વિગેરે કરેલ છે ઉજાવો પણ સારો છે આવા ખેડુતોના કુવામાં પાણી ડુકવા લાગ્યા છે વે પાણી વિના કરવું શું?? તેવા સવાલે મુંઝાણા છે. ચાંચાપર ગામના પાદરમાંથી પસાર થતી ડેમી નદી પર સરકારો ત્રણ ત્રણ ડેમ બાંધેલ છે.
1 ડેમી ડેમ મિતાણા ડેમ
2 ડેમી રાજાવડ ડેમ
3 ડેમી કોયલી-ખાનપર ડેમ
આ ત્રણેય ડેમો ખાલીખમ પડયા છે !! હાલ પાણીને બદલે કાંકરા ઉડી રહ્યા છે !!! કોયલી ગામના વયોવૃદ્ધ આગેવાન અને એ ગામના પૂર્વ સરપંચ હીરાભાઈએ એક મુલાકાતમાં જણાવેલ કે માલધારીઓ પાસે ઘાસચારો થઈ રહ્યો છે. જાનવરોને કેમ નિભાવવા તે સવાલ ઉભો થયો છે. નદીઓ ખાલી પડી છે !! સીમતળમાં પાણી ભુગર્ભમાં જવા લાગ્યા છે !! ખેડુતોએ ખેતરોમાં થાપણીયા વાવેતરો વરસાદ ટાઈમસર આવશે તેવી હૈયા ધારણ સાથે મોટા પ્રમાણમાં, મોંઘા ભાવના બી-બિયારણ-જંતુનાશક દવાઓ ખરીદી છાંટી લખલુંટ ખર્ચ કરેલ છે-પણ વાલો મેઘરાજા ઝાપટા સિવાય મન મુકીને વરસતો નથી જો બેચાર દિવસમાં વરસાદ નહી આવે તો ધરતીપુત્રોને હજારો-કરોડો રૂપિયાની નુકશાની થશે તેમ જણાવેલ-માલધારીઓને દુઝણા જાનવરો મુકવા કયા? તે સવાલ ઉભો થયો છે.