જામનગરમાં વાહન ચોર ટોળી સક્રીય: ત્રણ બાઇક ઉઠાવ્યા

જામનગર,તા.13
જામનગર શહેરમાં ફરીથી વાહનચોર ટોળકીએ સક્રિયતા દાખવી તરખાટ મચાવ્યો છે શહેરના જુદા- જુદા વિસ્તારોમાંથી એકી સાથે ત્રણ મોટર સાયકલોની ચોરી કરી લઇ જઇ પોલીસ તંત્રને પડકાર ફેંકયો છેે.
જામનગરમાં રણજીતસાગર રોડ પર મયુર ગ્રીન્સમા રહેતો નિલેષ ઇશ્ર્વરભાઇ પાલા નામનો 44 વર્ષનો યુવાન તા. 8-7-18 ના દિવસે પવનચક્કી પાસે આવેલા સુર્યમુખિ હનુમાનજીના મંદિર દર્શન કરવા માટે ગયો હતો અને પોતાના જીજે -10 બી એસ 6618 નંબરની બાઇકની ડેકીમાં પોતાનો મોબાઇલ ફોન પણ રાખ્યો હતો જે મંદિરની બહાર પાર્ક કરેલુ બાઇક કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયા હતા ચોરીના આ બનાવ અંગે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજુ બાઇક જામનગરના સમર્પણ સર્કલ પાસેથી ચોરી થયુ હતું જામનગરના ધરારનગર-2 વિસ્તારમાં રહેતા રફીકભાઇ મુસાભાઇ ખીરાએ સમર્પણ હોસ્પિટલ નજીક પાર્ક કરેલુ પોતાનું રૂા. 25000 ની કિંમતનું જીજે -3 ડી.આર. 3400 નંબરનું બાઇક કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ઉપરાંત ત્રીજુ બાઇક વુલનમીલ નજીક મહાકાળીના મંદિર પાસેથી ચોરી થયાનું પોલીસ સમક્ષ જાહેર થયુ છે જામનગર ઢીંચડા રોડ પર વાયુનગરમાં રહેતા સોહીલભાઇ હાજીભાઇ પતાણી એ મહાકાળીના મંદિર પાસે પાર્ક કરેલુ પોતાનું રૂા. વીસ હજારની કિંમતનું જીજે 3 એફએફ 1100 નંબરનું બાઇક કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવી છે.