ગુરૂકુલના આદ્ય સંસ્થાપક મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની કાલે 118મી જન્મજયંતિ

  • ગુરૂકુલના આદ્ય સંસ્થાપક મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની કાલે 118મી જન્મજયંતિ

રાજકોટ,તા.13
સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રથમ ગુરુકુલ પરંપરાની સ્થાપના કરી શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાન્તિ આણી છે.
નાનકડા ખોબા જેવા અમરેલી જિલ્લાના તરવડા ગામમાં આ સંતનું અવતરણ થયું હતું. નાનપણથીજ તેનામાં જન્મજાત પરમહંસના લક્ષણો હતા.
ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના મહાન વચનસિદ્ધ સંત હતા. સદ્. બાલમુકુન્દદાસજી સ્વામી દ્વારા એેમની મુમુક્ષુતાનું પોષણ થયું હતું. તેમજ સદ્ગુરુ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અને સદ્ગુરુ સ્વામી નારાયણદાસજી સ્વામી જેવા પવિત્ર સંતોની હૂંફથી એ પરમહંસને પાંખો ફુટી.
સમર્થ સંતપુરુષોની શ્રદ્ધા પૂર્વકની સેવાથી એમના ઉપર આશિષોના અમૃત વરસ્યા. પરિણામે એમનું એકાંતિક ધર્મમય સંતજીવન ખીલી ઉઠ્યું અને ધર્મજીવનદાસજી નામ પણ સાર્થક થયું.
ગુણાતીત પરંપરાનું સર્વોપરિ જ્ઞાન અને ઉપાસના તો એમની ગળથૂથીમાં હતા. સાથો સાથ વડતાલ સાત વરસ કરેલા શાસ્ત્રોના ગહન અભ્યાસથી એ જ્ઞાન અને ઉપાસનાએ અગાધ સાગરનુ રુપ ધર્યું.
ઇ.સ.1945 માં બીજા વિશ્વયુદ્ધના કટોકટીભર્યા સમયમાં જુનાગઢ રાધારમણદેવની સાનિધ્યમાં યોજાયેલ 21 દિવસના યજ્ઞથી સંપ્રદાયમાં એક નવી ચેતના પ્રગટી, યજ્ઞ સમાપ્તિ બાદ પ્રભુએ સર્જેલા સંજોગોમાં હિમાલયની યાત્રા દરમ્યાન ગુરુકુલ કરવાની પ્રેરણાએ સંપ્રદાયને સેવાની નવી ઉંચાઇઓ ઉપર લઇ જવાનો જાણે રાજમાર્ગ મળ્યો.
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સમસ્ત વિશ્વના કલ્યાણ માટે મહામંત્ર સમાન આજ્ઞા કરી છે કે પ્રવર્તનીયા સદવિદ્યા ભૂવિ યત્સુકૃત્ મહત્ મ ભગવાન શ્રી સ્વામિનારાયણની આ મંગળ આજ્ઞા પ્રમાણે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે પ્રાચીન ભારતની ભવ્ય ધરોહર સમાન ગુરુકુલની અર્વાચીન પરંપરા સર્જી. શ્રીજી સંકેત અનુસાર રાજકોટમાં ગુરુકુલની સ્થાપના દ્વારા સદવિદ્યા પ્રવર્તનનો મંગળ પ્રારંભ થયો.
આજથી 70 વર્ષ પૂ્ર્વે જ્યારે એમણે શૂન્યમાંથી સર્જન કરતા હોય તેમ ગુરુકુલના બીજ રોપ્યા ત્યારે કોઇ કલ્પના પણ નહોતી કે આ પ્રયોગ વટ વૃ્ક્ષ બની જશે.
ઘણા મહાપુરુષો પોતે જીવનકાળમાં ઘણું મહત્વનું પ્રદાન કરતા હોય છે. પણ મોટા ભાગ્યે તેમના પછી શૂન્યાવકાશ સરજાતો હોય છે. પરંતુ આ મહાન સંતવર્યે એવું સંસ્કાર ને સેવાપૂર્ણ વાતાવરણ સર્જ્યું, એવો વેગ લગાડી દીધો, જેને લીધે તેમણે વહાવેલો સેવા પ્રવૃતિનો અને ભજન ભકિતનો પ્રવાહ એસજીવીપી ગુરુકુલના શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતો દ્વારા અવિરત પ્રમાણે તેમના ઉચ્ચ ધ્યેય પ્રમાણે સેવા યજ્ઞ ચાલુ છે
પોતાની હયાતિમાં બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, સાત સાત સ્પેશ્યલ યાત્રા ટ્રેનો, વિદેશ યાત્રાઓ, મહાન વિષ્ણયાગો, જપયજ્ઞો, મેડીકલ સેવા, દુષ્કાળ-પૂર જેવા પ્રસંગોએ પીડિતો અને ગરીબોની સેવા, વગેરે સમાજ અને સત્સંગ માટેના બહુજન હિતકારી સેવા પ્રકલ્પોના પ્રેરક તરીકે આજે પણ પથદર્શક બની ગયા છે.
પ્રસિદ્ધિ અને પ્રશંસાથી પર રહેવું એ પૂ સ્વામીજીના જીવનની આગવી વિશિષ્ટતા હતી. મોટા મોટા મહાત્માઓ ધન અને નારીનો ત્યાગ કરી શકે છે, પણ માન સન્માન અને લોકેષણા છોડી શકતા નથી.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સમર્થ સિદ્ધ સંત હોવા છતાં વ્યકિતપૂજાથી સર્વથા પર હતા.
શિક્ષણ અને સેવાની વિવિધ પ્રવૃતિઓ છતાં એમનું અયાચક વ્રત અજોડ અને અખંડ રહ્યું હતું.
તેઓ કહેતા કે મારે જરુર પડશે તો ભગવાન પાસે માગીશ પણ માણસ પાસે લાંબો હાથ કરીને માંગીશ નહીં. સર્વોપરિ ભગવાનને ખોળે બેસી ભિખારી થાઉં તો મારા ભગવાનને શરમ આવેતેમના માર્ગે આજે 150 જેટલા ગુરુકુુલોમાં હજારો બાળકો સત્સંગના શુભ સંસ્કારો મેળવી રહ્યા છે. અષાઢી બીજ રથયાત્રાના પવિત્ર દિવસે, ગુરુકુલના આદ્ય સંસ્થાપક સદ્ગુગુરુ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના 118 મા જન્મદિન નિમિત્તે ગુરુકુલ પરિવાર દ્વારા પૂજ્ય સ્વામીજીને કોટિ કોટિ વંદન