સર્જાયું લો-પ્રેશર: 48 કલાકમાં અતિ ભારે વરસાદ

અમદાવાદ,તા.13
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિઝનનો ખાસ્સો એવો વરસાદ થઇ ગયો છે, તેમાં પણ વલસાડ જિલ્લામાં તો સતત 20 દિવસથી વરસાદનો જ માહોલ જામેલો છે. પરંતુ મધ્ય ગુવરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ પડ્યો છે. પરંતુ આગામી 48 કલાકમાં બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યકત કરાઇ રહી છે.
બંગાળની ખાડીના લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને ઓરિસ્સામાં અપરએરસાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેનાથી 13 જુલાઇથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી રહી છે. તો દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હજુપણ વધુ વરસાદ પડશે.
આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તો બીજી તરફ અમદાવાદ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળો છવાઇ ગયા છે. હજુ સુધી આ વિસ્તારોમાં ખાસ વરસાદ નથી થયો. લોકો પણ વરસાદની રાહ જોઇ રહ્યા છે. ખેડુતો પોત પોતાના પાક નિષ્ફળ ના જાય તે માટે વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
પણ હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. તેના પરથી અનુમાન લગાવાઇ રહ્યું છે કે 13 જુલાઇથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર 12 કલાકથી વરસી રહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર યથાવત રહેશે. પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય થઇ રહેલા પ્રેશરથી ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથેસાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે.
તો ગુરૂવારે નવસારીમાં 17 કલાકમાોં 12.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જે સિઝનનો 43 ટકા જેટલો થવા જાય છે.