માણાવદરમાં મુશળધાર સાડાસાત ઇંચ

  • માણાવદરમાં મુશળધાર સાડાસાત ઇંચ

રાજકોટ તા.17
રાજકોટ, જામનગર, જૂનાગઢ, દ્વારકા, મોરબી, પોરબંદર, અમરેલી, સોમનાથ જીલ્લામાં આજ સવારથી જ ફરી વરસાદ શરૂ થયો છે. માણાવદરમાં બે કલાકમાં સાડાસાત ઈંચ વરસાદ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઇ ગયા છે અને તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગઇકાલે ગીરગઢડા, ઉના વિસ્તારમાં ભારે વરસાદ પડયા બાદ આજે સવારથી મેઘરાજા જૂનાગઢ ઉપર ઓળઘોળ બન્યા છે. જૂનાગઢના તમામ તાલુકામાં એક ઇંચથી લઇને સાડાસાત ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે. સવારના 10 વાગ્યા સુધીમાં માણાવદરમાં સાડાસાત ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર બની ગયું છે.
આ ઉપરાંત મેંદરડામાં સાડાત્રણ ઇંચ, માળીયાહાટીનામાં 3 ઇંચ, વંથલી-કેશોદ-માંગરોળમાં અઢી ઇંચ વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે તેમજ જૂનાગઢ, ભેસાણમાં એક ઇંચ, વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે.
જામનગરમાં પણ આજ સવારથી મેઘકૃપા વરસી છે. લાલપુરમાં મુશળધાર સાડાત્રણ ઇંચ વરસાદ પડયો છે. કાલાવડમાં દોઢ ઇંચ જ્યારે સોમનાથ જીલ્લામાં વેરાવળ, કેશોદ, ઉનામાં અઢી ઇંચ, કોડીનારમાં બે ઇંચ, સુત્રાપાડામાં બે ઇંચ, ગીરગઢડામાં એક ઇંચ, તાલાલામાં એક ઇંચ વરસાદ પડયો છે.
અમરેલીના જાફરાબાદમાં દોઢ ઇંચ, હળવદ, વિસાવદર, કુતિયાણા, રાણાવાવ, જામકંડોરણા, જામજોધપુર, પોરબંદરમાં અડધાથી એક ઇંચ, ખાંભા, ઉપલેટા, ભૂજ, ધોરાજી, જોડીયા, કલ્યાણપુર, બગસરા, રાજુલા, સિંહોર, મહુવા, જેતપુર, દ્વારકામાં ભારે ઝાપટા પડયા છે.