સરકારી હોસ્પીટલમાં પાન-માવા અને ધુમ્રપાનના સેવન પર સજ્જડ પ્રતિબંધ

રાજકોટ તા.13
રાજકોટ સરકારી હોસ્પીટલમાં પાન, માવા, ધુમ્રપાન કે અન્ય કેફી પદાર્થના સેવન પર સજ્જડ પ્રતિબંધ મુકતો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ જાહેરનામાનો અમલ આજથી લાગુ કરવામાં આવશે.
પીડીયુ સિવિલ હોસ્પીટલ અને મેડીકલ કોલેજ, રાજકોટના કાઉન્સેલર જયંત ઠાકરે જણાવ્યું છે કે સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા માટે સિવિલ અધિક્ષક ડો.મનીષ મહેતા સાથે પીડીયુ સિવિલ હોસ્પીટલ કમ્પાઉન્ડમાં હોસ્પીટલ સ્ટાફ, દર્દીઓના સગા-સંબંધી-મુલાકાતીઓ દ્વારા પાન-માવા મસાલાના સેવનને કારણે હોસ્પીટલમાં જ્યાં ત્યાં થુંકવાને કારણે ભારે ગંદકી ફેલાતી હોય, આ બાબતે સઘન ચર્ચાવિચારણા બાદ આજથી જ પીડીયુ સિવિલ હોસ્પીટલમાં પાન-માવા-મસાલા ધુમ્રપાન કે અન્ય કેફી દ્રવ્યોના સેવન પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આ જાહેરનામાનો અમલ આજથી શરૂ થશે અને આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પીટલની સુરક્ષા એજન્સીઓ, સુરક્ષા ગાર્ડોની જવાબદારી સોપવામાં આવેલ છે. વધુમાં જયંત ઠાકરે જણાવ્યું હતું કે હોસ્પીટલમાં પાન-માવા-મસાલાના સેવનને કારણે જ્યાં-ત્યાં થુંકવાને કારણે વ્યાપક પ્રમાણમાં ગંદકી થતી હોય, પાન-માવા-પાનમસાલાના પ્લાસ્ટીક, પાઉચ તેમજ આ વ્યસન માનવીના આરોગ્ય માટે અતિ હાનિકારક હોય હોસ્પીટલ કમ્પાઉન્ડમાંથી આવા પ્રકારના વ્યસનો સદંતર દુર થાય તેવા આશયથી આ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આમ પીડીયુ સીવીલ હોસ્પીટલના દુષણો દુર કરવા અને દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત સક્રિય રહી કામગીરી બજાવી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે. સરકારી હોસ્પીટલનો મુખ્ય પ્રવેશદ્વાર વન-વે જાહેર સિવિલ હોસ્પિટલમાં વધતા જતા દર્દીઓના ધસારાને ધ્યાનમાં લઈને દર્દીઓની સગવડ માટે તબીબી અધિક્ષક મનીષ મહેતા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં મુખ્ય પ્રવેશદ્વાર વનવે જાહેર કરવામાં આવ્યો છે જયારે મેડિકલ કોલેજના ગેટથી ટુ વે રાખી સ્ટાફ, દર્દીઓ અને સાગા સંબંધીઓ માટે વાહનોની અવરજવરની છૂટ આપવામાં આવી છે તેમજ ચોરીના વધતા બનાવો અટકાવવા ત્રાહિત વ્યક્તિઓ ઉપ્પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ જાહેરનામું સવારના 8 થી 2 વાગ્યા સુધી અમલમાં રહેશે.