લાંબા સમયથી ગેરહાજર સફાઇ કામદારોને છુટા કરો : પાની

  • લાંબા સમયથી ગેરહાજર સફાઇ કામદારોને છુટા કરો : પાની

રાજકોટ તા.13
આજે તા. 13-7-2018 ના રોજ સવારે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વોર્ડ નં. 15 ના વિવિધ વિસ્તારો જેવાકે 80 ફૂટ રોડ, સર્વોદય સોસાયટી, થોરાળા, કસ્તુરબા હરિજન વાસ, કુબલીયાપરા વગેરે વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તકે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામ સાગઠીયા, તેમજ ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા, સિટી એન્જી. ચિરાગ પંડ્યા, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી વગેરે પણ સ્થળ પર સાથે હતાં. આ વિસ્તારોની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ટ્વીન બિન અને વોંકળાઓની નિયમિત સફાઈ થાય તેમજ અત્યારે ચોમાસાની રૂતુમાં વિસ્તારોમાં ગંદકીનો પ્રશ્ન ના રહે તે રીતે સ્વછતાલક્ષી કામગીરી કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને સૂચના આપે હતી.
કમિશનરએ વિસ્તારોની મુલાકાત વખતે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ સાથે પણ વાતચિત કરી હતી. કમિશનરએ બુલડોઝર વડે ચાલી રહેલી વોંકળાની સફાઈ કામગીરી પણ નિહાળી હતી. તેમણે આ વિસ્તારોના નાગરિકોને આરોગ્ય, ડ્રેનેજ અને સફાઈ લગત સેવાઓ વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ બની રહે તે નિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
દરમ્યાન આ વિસ્તારોમાં કેટલાક સફાઈ કામદારોની ગેરહાજરી અંગે જાણવા મળતા કમિશનરએ લાંબા સમયથી ફરજ પર ગેરહાજર રહેલા સફાઈ કામદારોને છુટ્ટા કરવા અધિકારીઓને કાર્યવાહી શરૂ કરવા જણાવ્યું હતું.
વિશેષમાં આ વિસ્તારોના લોકોને ડસ્ટ બિન આપવાની રજૂઆત થતા કમિશનરએ એમ જણાવ્યું હતું કે, જે આસામીઓ એક વર્ષનો વેરો ભરપાઈ કરી આપશે તેઓને ડસ્ટ બિન આપવામાં આવશે.