નકલી ડિગ્રી કાંડ: ભારતીય મહિલા ક્રિકેટ સુકાની પદ નહીં ગુમાવે

  • નકલી ડિગ્રી કાંડ: ભારતીય મહિલા  ક્રિકેટ સુકાની પદ નહીં ગુમાવે

ચંદીગઢ તા.13
ભારતીય મહિલા ટી20 ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર માટે રાજ્ય સરકાર કાયદો બદલશે અને તે ડીએસપીના પદ પર જળવાઈ રહેશે. હરમનપ્રીતના ડીએસપી પદને બચવવા માટે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદસિંહે નવી ફોર્મ્યુલા કાઢી છે અને તે છે સૈન્યની ફોર્મ્યુલા. સરકાર કાયદો બદલીને હરમનપ્રીતને ઑનરરી ડીએસપી બનાવશે. આના માટે કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
નકલી ડિગ્રીનું પ્રકરણ સામે આવવા છતા મુખ્યમંત્રી અમરિંદર સિંહ આ સ્ટાર મહિલા ક્રિકેટર પ્રત્યે ખૂબ નરમ અભિગમ અપનાવી રહ્યાં છે. આ જ કારણે તેમણે હરમનપ્રીતને ઑનરરી ડીએસપીનું પદ આપવાનું નક્કી કર્યું છે.
પોલીસ વિભાગે પણ કેપ્ટન અમરિંદર સિંહને સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત ભરતી અંગેના નિયમોમાં ફેરફારની ભલામણ કરી હતી. મુખ્યમંત્રીના નજીકના સૂત્રો અનુસાર, હરમનપ્રીતના મુદ્દે નિર્ણય લઈ લેવાયો છે. કેટલીક કાયદાકીય આંટીઘૂંટી વિશે પ્રશ્નો કરાઈ રહ્યાં છે.
સૈન્યમાં કેપ્ટન તરીકે ફરજ બજાવી ચૂકેલા અમરિંદર સિંહે હરમનપ્રીતને બચાવવા જે રીતે સૈન્યમાં ખેલાડીઓને ઑનરરી પદ આપવામાં આવે છે તે જ રીત અપનાવી છે. જેમ કે, સચિન અને મહેન્દ્ર સિંહ ધોનીને પણ સૈન્યે ઑનરરી પદ આપ્યા હતા.
મહિલા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં લઈને અમરિંદર સિંહે હરમનપ્રીતને પંજાબ પોલીસમાં ડીએસપી પદની ઑફર કરી હતી. હરમનપ્રીતે રેલવેથી નોકરીનો કરાર ખતમ કરીને પંજાબ પોલીસમાં ડીએસપીનું પદ સ્વીકારી લીધું હતું.
ડીએસપી બન્યા બાદ હરમનપ્રીત તરફથી પોલીસ વિભાગમાં જમા કરાવાયેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી તો મેરઠની જે યુનિવર્સિટીથી તેણે ડિગ્રી (ગ્રેજ્યુએશન)ના દસ્તાવેજ આપ્યા હતા તે નકલી નીકળ્યા. આ વિશે પોલીસ તરફથી સરકારને બે સપ્તાહ પહેલા લેખિત સૂચના આવી દેવાઈ હતી કે, વર્તમાન નિયમો અનુસાર હરમનપ્રીતને ડીએસપી બનાવી શકાય તેમ નથી, કારણ કે તે ગ્રેજ્યુએટ નથી.
મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રો અનુસાર હરમનપ્રીતને ઑનરરી ઉજઙ બનાવવા અંગે કાયદેસર એજન્ડો પણ કેબિનેટમાં લાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ કાયદાકીય મથામણ ઊભી ન થાય. જો સરકાર આને કેબિનેટમાં નહીં લાવે તો ઘણા અન્ય કિસ્સા સામે આવી શકે છે. ગોલ્ડન ગર્લ મનદીપ પાસેથી પણ કારણે જ ડીએસપીનું પદ છીનવાયું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા હરમનના ડિગ્રી સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ તેનું ડીએસપીનું પદ છીનવાશે તેવી વાત સામે આવી હતી. જણાવાઈ રહ્યું હતું કે, તેને કોન્સ્ટેબલ બનાવવામાં આવશે. અર્જુન એવોર્ડ વિજેતા હરમનના પિતા અને ભાઈએ કહ્યું હતું કે, તે કોન્સ્ટેબલનું પદ કોઈપણ સ્થિતિમાં સ્વીકારશે નહીં. તેના ભાઈએ કહ્યું હતું કે, હરમન પાસે ઘણી મોટી કંપનીઓની નોકરીની ઑફર્સ છે.