ગાય પાછળ દોટ મૂકતાં ખૂંટિયાએ રાહદારી આધેડનો ભોગ લીધો

ભાવનગર તા.13
તળાજાના દિહોર ગામે આખલાઓના આતંકે એક યુવાન અને એક આધેડને બે કપલમાં ગંભીર ઇજાઓ પહોંચાડી છે. જેમાં આજે સવારે એક આધેડ મોતને ભેટેલ છે. આખલાઓને ગામમાંથી હટાવવા માટે ગ્રામજનોની માગ બળવતર બની છે.
તળાજા શહેર અને ગ્રામ્ય વિસતારમાં ખુટીયાઓ દ્વારા સ્થાનિક રહીશોને, વાહન ચાલકો, રાહદારીઓને હડફેટે લેવાની ઘટનાઓ દિવસે દિવસે વધતી થાય છે. ખાસ કરીને આખલાઓની અંદરો અંદરની લડાઇઓ રાહદારીઓ માટે યમદૂત સમાન બની રહે છે.
તાલુકાના દિહોર ગામે પરોઢીએ ગામની બજારમાંથી પસાર થતા દુલાભાઇ મોહનભાઇ પાંગળ (ઉ.વ.55) ને ગાયની પાછળ દોટ મુકેલા આખલાઓે હડફેટે લેતા દુલાભાઇને ગંભીર પ્રકારની ઇજાઓ થતા કમકમાટી ભર્યુ મોત નિપજયું હતુ. બનાવના પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા. તળાજાની 108 દ્વારા અહીંની રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલ.
દિહોર ગામે ગઇકાલે પણ બે સાંઢ વચ્ચેની લડાઇમાં તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય વલ્લભભાઇ બારૈયાને ઢીકે લઇ ઇજા પહોંચાડવામાં આવી હતી. ગંભીર ઇજાઓ સાથે વલ્લભભાઇને ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવેલ. તળાજાની શહેર અને ગ્રામ પંથકમાં છુટા રખડતા સાંઢની રાહદારીઓ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ઇજા પહોંચાડીને મોત નિપજાવતા હોઇ પ્રસાશન દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ પ્રબળ છે.