અમરેલી પંથકમાં ધીંગી મેઘસવારી: વડિયામાં 5 ઈંચ

  • અમરેલી પંથકમાં ધીંગી મેઘસવારી: વડિયામાં 5 ઈંચ

 ધારીના ખાડિયામાં પસાર થતાં ગાડાને વીજશોક લાગતા બે બળદના મોત
અમરેલી તા,13
અમરેલી પંથકમાં ગઈકાલથી દેધનાધન વરસાદ શરૂ થતાં મોટાભાગની નદીઓમાં પૂર આવી ગયા છે. તળાવ, ચેકડેમ, કોજવે ઉપરથી પાણી વહી રહ્યા છે. વડિયામાં પાંચ, ખાભાંમાં 4 અને સાવરકુંડલામાં 3 ઈંચ વરસાદ પડતા ધરતીપુત્રોના ચહેરા પર રોનક છવાઈ છે.
વડીયામાં ગઈકાલે સવારે 11 કલાકેથી મેઘાની મહેર શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. વરસાદ ન રહેતા બીજી તરફ ભયનો માહોલ સર્જાયો હતો. વડીયામાં દિવસ દરમ્યાન પ ઈંચ વરસાદ ખાબકી ગયેલ. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા તથા વડીયાનાં સુરવો ડેમમાં પ ફૂટ નવા નીરની આવક થયેલ છે. વડીયા પંથકમાં સાવરે 11 વાગ્યાથી હજુ આ લખાઈ છે ત્યાં સુધી ધોધમાર વરસાદ પડી રહેલ છે. વડીયા પંથકના તોરી, રામપુર, અનિડા, ખાખરીયા, બરવાળા બાવળ, ખજૂરી, બાટવા દેવળી, ઢુંઢીયા પીપળીયા સહિતના ગામોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે લોકોમાં એક તરફ ખુશી અને એક તરફ મુશ્કેલી જેવો ઘાટ સર્જાઈ રહૃાો છે. બીજી તરફ વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી. વડીયાવાસીઓ રાત્રીના સમયે જાગતા રહી વરસાદને ખમૈયા કરોની પ્રાર્થના કરે છે. આ વરસાદ વચ્ચે વડીયા તાલુકાના બરવાળા બાવળ ગામે એક બાઈક સવાર તણાયો હતો. વડીયામામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્ય હતો અને મુળ બરવાળા બાવળનો વતની અને વડીયા સાબુ, પાવડરની દુકાન ધરાવતો જીતેન્દ્ર લિંબાભાઈ પાનસુરીયા જાતે પટેલ (ઉ.વ. 33) તે પોતે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે જઈ રહૃાો હતો ત્યારે ગામના પાદરમાં કોઝવે પર પોતાનું ટિફીન નીચે પડતા ટિફીન લેવામાં કોઝવે પર પાણીમાં બાઈક સહિત ખુદ તણાયો હતો. ઘટના સ્થળે મામલતદાર તથા પોલીસ સહિતનો કાફલો પહોંચ્યો હતો અને યુવકની શોધખોળ શરૂ કરી છે.
સાવરકુંડલા
સવારથી જ બફારો ખૂબ જ હતો. 11 વાગે શરૂ થયેલ વરસાદ સાંજના પ સુધીમાં અઢીથી 3 ઈંચ જેટલો વરસાદ પડી ગયેલ.
આજનો વરસાદ દરેક ગામડામાં પડયાના વાવડ છે. બાઢડા, ગાધકડા, નેસડી, વંડા, પીઠવડી, ધજડી, કાનાતળાવ વગેરે ગામડામાં વરસાદ પડયાના વાવડ છે. આજના વરસાદથી નાવલી નદીમાં નવા નીર આવેલ. ખેડૂતોએ કરેલ વાવેતરમાં ખૂબ જ ફાયદો થશે હજુ વધારે વરસાદ પડે તેવી પૂરી શકયતા છે.
ખાંભા
ગઈકાલે ખાંભામાં બપોર બાદ બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જયારે ગીરને અડીને આવેલા ભાણીયા, ગીદરડી, ઘાવડીયા, લાસા, ભાડ, વાંકીયા સહિતના ગામોમાં ધોધમાર 3 ઈંચ કરતાં વધારે વરસાદ પડેલ છે. ગીદરડી અને ભાણીયા ગીરની નદીમાં પૂર આવ્યા હતા. . ધારીમાં બે બળદના મોત
ધારીનાં ખાડીયા વિસ્તારમાં બળદ ગાડુ લઈ પસાર થતા હતા ત્યારે પાણીમાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા બે બળદનાં ઘટના સ્થળે મોત નીપજયા હતા તો દંપતિનો બચાવ થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ખાડીયા વિસ્તારમાં વાડી ધરાવતાં મગનભાઈ ડાયાભાઈ રૂડાણી અને તેના પત્ની વાડીએથી ઘરે પરત ફરી રહૃાા હતા ત્યારે બળદગાડુ રસ્તા પર રહેલા પાણીમાંથી પસાર થયું ત્યારે જબરદસ્ત વિજ કરન્ટ લાગતા તે અને તેના પત્ની ફેંકાઈ ગયા હતા જયારે બે બળદનાં ઘટના સ્થળે જ મોત નીપજયા હતા.