સૌરાષ્ટ્રમાં અષાઢીબીજનો ઉમંગ: પરબધામ હકડેઠઠ્ઠ

રાજકોટ તા.12
અષાઢી બીજના પાવન પર્વની ઉજવણીનો થનગનાટ સૌરાષ્ટ્રભરમાં જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના શહેરો અને ગામમાં અષાઢી બીજની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અષાઢી બીજના દિવસે રથયાત્રાનો અમરો મહિમાં છે ભગવાન જગન્નાથ રથમાં સવાર થઈને દિનચર્યા કરવા નીકળે છે. અને ભકતોને દર્શન આપે છે તેવી લોકવાયકા આજે પણ પ્રચલીત છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ સહિતના શહેરો તેમજ નાના ગામોમાં પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. શનિવારે અષાઢી બીજના પાવન પર્વે સૌરાષ્ટ્ર ભરમાં ઉજવણીના કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમજ રથયાત્રા શહેરના માર્ગો ઉપર ફરી ભકતોને ભગવાન જગનાથજીના ર્દાન કરવાનો અવસર પ્રાપ્ત થશે. રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પરબધામ
ભેંસાણ નજીક આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ પરબધામ ખાતે આજ તા.13 અને 14 એમ બે દિવસ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી થશે જેમાં એક લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે અને એક પંગતે બેસી ભોજન પ્રસાદ લેશે. આજથક્ષ જ ભાવિકોનો પરબધામ ખાતે પ્રવાહ શરૂ થશે તો 10 હજારથી વધુ સ્વયંસેવકો તો બે દિવસ પહેલાથી પહોચી ગયેલ છે.
પરબધામમાં એકાદ લાખ ભાવિકોને એક જ પંગતે પ્રસાદ આપવા બેસાડવા માટે 4 થી 5 હજાર સ્વયં સેવકો આ સેવા કાર્યમાં જોડાશે અને ભાવિકોને બપોરે રોટલી શાક, દાળ ભાત, સંભારો, શીરો અને છાસ તથા રાત્રીનાં સમયે સાક, રોટલી, શીરો ભોજન પ્રસાદમાં આપવામાં આવશે. આ સિવાય અન્ય વ્યવસ્થા માટે બીજા 5 થી 6 હજાર સ્વંય સેવકોને વ્યવસ્થામાં ગોઠવી દેવામાં આવ્યા છે.
પરબધામ ખાતે યોજાય રહેલ આ મહોત્સવમા ભાવીકોની સુરક્ષા વ્યવસ્થા માટે 100 પો.કો. 1 એસઆરપી કંપની, 120 જીઆઈડી જવાનો 8 પીએસઆઈ, 1 પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે જયારે મેળા દરમ્યાન તબીબોની 3 ટીમ 24 કલાક દર્દીઓની સેવા માટે ખડે પગે રહેશે.
બોટાદ
બોટાદ અને ગઢડાની રથયાત્રા અંગે કલેકટર તથા એસપી તથા ડીવાયએસપી અને રથયાત્રાનાં આયોજકોની મીટીંગ કલેકટર કચેરી બોટાદ ખાતે યોજયેલ હતી જેમાં રથયાત્રાના રૂટ અને સુરક્ષા સમિતિની ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
જામનગર
જામનગર જિલ્લા ગોપાલક ભરવાડ યુવા સંગઠન દ્વારા અષાઢી બીજ નિમિતે ભવ્ય શોભાયાત્રા ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામા આવ્યો છે. જામનગરમાં રાજમાર્ગો ઉપરથી શણગારેલા રથ સાથે શ્રી મુળનાથ, ભગવાન શ્રી કૃષ્ણ તથા શ્રી મચ્છુ માતાજીની તસવીરો સાથે આ શોભાયાત્રા પ્રસ્થાન થશે તેમાં બેડનાં રઘુરામભગત મહંત પણ ઉપસ્થિત રહેશે. આ શોભાયાત્રા મચ્છુ માતાજીનાં મંદિરે પહોચશે ત્યાં ધ્વજારોહણ કરવામાં આવશે.
ટંકારા
ટંકારામાં ગત વર્ષની જેમ જ આ વર્ષે મચ્છુ માતાજીની શોભાયાત્રા અષાઢી બીજે નીકળશે તેમાં માલધારી સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાશે.
ટંકારામાં દર શનિવારે શનિવારી બજાર ભરાય છે. તેમાં બસોથી અઢીસો ફેરીયાઓ પોતાનો માલ સામાન લઈ વેપાર અર્થે આવે છે. તાલુકાના લોકો હટાણું કરવા આવે છે. આ શનિવારે અષાઢી બીજ હોય શનિવારી બજાર બંધ રહેશે.
જામકંડોરણા
શનિવારે અષાઢી બીજના દિવસે સનાતન યુવક મંડળ તેમજ જામકંડોરણાના વિવિધ યુવક મંડળોના સહયોગથી ભગવાન રામદેવજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ રથયાત્રામાં સનાતન ધર્મના ગૂરૂજી રમેશબાપુ દાણીધારીયા તથા પ્રવિણબાપુ દાણીધારીયા બિરાજશે આ રથયાત્રાનું પ્રસ્થાન કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે થશે આ રથયાત્રા બપોરના 3 કલાકે ડી.જે. તથા ભકિતમય સંગીતના સૂરો સાથે શ્રી રામજી મંદિરથી શરૂ થઈ પટેલ ચોક, ડંકી ચોક, ભાદરા નાકા, કાલાવાડ રોડ બસ સ્ટેશન, બાલાજી ચોક થઈ પટેલ ચોકમાં પૂર્ણ થશે તેમજ રાત્રે 9 કલાકે ભગવાન રામદેવજી મહારાજનો પાટોત્સવ તથા સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ રથયાત્રામા તાલુકાના રાજકીય, સામાજીક તેમજ વિવિધ યુવક મંડળોના કાર્યકરો આગેવાનો હાજરી આપશે.