મવડી સ્મશાન પાસે પાણીમાં કાર તણાઇ

રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા મધ્યમથી ભારે વરસાદ વચ્ચે ગઇકાલથી રાજકોટમાં પણ મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જેમાં આજે બપોરે મવડી સ્મશાન પાસે નાલા ઉપરથી જઇ રહેલા પાણીમાં કાર તણાઇ ગઇ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ બચાવ કામગીરી હાથ ધરી હતી.
શહેરમાં ગઇકાલથી પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં પુર આવ્યા છે ત્યારે મવડી સ્મશાન પાસે આવેલા નાલામાં પણ પાણીની આવક શરૂ થઇ હતી.

જે દરમ્યાન આજે બપોરે નાલા ઉપરથી પાણી જતુ હોય ત્યાંથી પસાર થઇ રહેલી કાર અચાનક પાણીમાં તણાઇ જતા ફાયરબ્રિગેડના સ્ટાફે તાત્કાલીક દોડી જઇ કારચાલકને બચાવવા કામગીરી હાથ ધરી હતી. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. ફાયરબ્રિગેડની જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી પરંતુ કારમાં કોઇ વ્યક્તિ મળી આવી ન હોય કારચાલકની શોધખોળ હાથ ધરી છે.