પ્રભુને પામવાની પ્યાસ પ્રભુપ્રાપ્તિ સુધી પહોંચાડે છે: પૂજ્ય નમ્રમુનિ મ.સા.

  • પ્રભુને પામવાની પ્યાસ પ્રભુપ્રાપ્તિ સુધી પહોંચાડે છે: પૂજ્ય નમ્રમુનિ મ.સા.
  • પ્રભુને પામવાની પ્યાસ પ્રભુપ્રાપ્તિ સુધી પહોંચાડે છે: પૂજ્ય નમ્રમુનિ મ.સા.

રાજકોટ તા.13
ગાદીપતી પૂજ્ય ગીરીશમુનિ મ.સા.ના સુશિષ્ય ગુજરાત રત્ન પૂજ્ય સુશાંતમુનિ મ.સા., તપસમ્રાટ પૂજ્ય રતિલાલજી મ.સા.ના સુશિષ્ય રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા. આદિ 7પ સંત સતીજીઓના ચાતુર્માસ મંગલ પ્રવેશોત્સવ તા.1પ જુલાઇને રવિવારે ભવ્યાતિભવ્ય યોજાનાર છે.
આ અવસર વધાવવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પધારવાના છે ત્યારે આ મંગલ મહોત્સવની માહિતી માટે હળવા વાતાવરણમાં પૂજ્ય નમ્રમુનિ મ.સા.એ સાંધ્ય દૈનિકના પત્રકારો સાથે વાતચીત કરી હતી અને જીવદયાથી લઇને આગામી આયોજનો અને ગુરૂશિષ્યના સંબંધો વિશે વાતો કરી હતી.
પ્રશ્ર: લાંબા સમયના અંતરાલ બાદ યોજાયેલ રાજકોટ ચાતુર્માસ વિશે શું માનો છે ?
જવાબ: રાજકોટના ભાવિકોનો ભાવ ખુબ જ છે. આગમ વાંચનામાં પણ હું પાટ પર જાઉં તે પહેલા હોલ ભરાઇ જાય છે તે દર્શાવે છે કે લોકોમાં ધર્મ પ્રત્યે પ્યાસ છે. જે વ્યકિતને પ્રભુને પામવા માટે કષ્ટો સહન કરવાની તૈયારી હોય, જીજ્ઞાસા હોય તેજ પ્રાપ્તિનો લાભ લઇ શકે છે અને રાજકોટમાં તો પૂજ્ય રતિગુરૂ અને સાધુ સાધ્વીજીના સામુહિક ચાતુર્માસના વાઇબ્રેશન મોજુદ છે. રાજકોટના લોકો તેનો પૂર્ણ લાભ લઇ રહ્યા છે.
પ્રશ્ર: ઘેટાબકરાને લઇ જવાનો મામલો શાંત પડયો છે પરંતુ પ્રવૃતિ હજુ ચાલુ જ છે. આ માટે શું કરી શકાય ?
જવાબ: આ બહુ દુ:ખદ બાબત છે. ઘણી જગ્યાએ આ પ્રકારની પ્રવૃતિ થઇ રહી છે. તેના માટે કોઇક મક્કમ પગલા લેવા આવશ્યક છે. આ ફકત જૈનોનો પ્રશ્ર નથી દરેક લોકોએ આમાં સહયોગ આપી આ પ્રવૃતિ રોકવી જરૂરી છે.
પ્રશ્ર: અનેક જૈનેતરો પણ આપને ગુરૂ માને છે તો કોઇ વિશેષ આયોજનો છે ?
જવાબ: આ ચાતુર્માસ જૈન જૈનેતરો દરેક માટે છે. મહાવીર પોતે ક્ષત્રિય હતા. તેની નજીકના સેવા કરનાર નંદ મણિયાર સોની હતા તેથી આ ધર્મ સમગ્ર જીવ માત્ર માટે છે. દરેક પ્રવચનમાં જૈનેતરોની સંખ્યા પણ મોટી હોય છે. ભગવાન મહાવીર સૌના હતા અને સૌ માટે ભગવાન મહાવીર છે.
પ્રશ્ર: આપ અનેકને દીક્ષા પ્રદાન કરી શિષ્ય બનાવો છો તો શ્રેષ્ઠ શિષ્યના લક્ષણ શું હોવા જોઇએ ?
જવાબ: શિષ્યએ ગુરૂ ધારતા પહેલા ગુરૂની સો પરીક્ષા લેવી પરંતુ એકવાર ગુરૂપદે સ્વીકાર્યા પછી ગુરૂના ચરણોમાં શીશ જ મુકવું. શિષ્યએ વિનય સાથે વિવેક રાખવો જરૂરી છે. ગુરૂની આજ્ઞાનું પાલન વિવેક સાથે કરવું જરૂરી છે.
પ્રશ્ર: ચાતુર્માસ દરમિયાનના વિશેષ શું આયોજનો છે?
જવાબ: ઘણા બધા આયોજનો કર્યા છે બધાનો ધીમે ધીમે અમલ થઇ રહ્યો છે. જેમાં ધાર્મિક આયોજનો સાથે સેવાના કાર્યોનું પણ આયોજન છે. ઉપરાંત સંવત્સરી દરમ્યાન 11000 સામુહિક પ્રતિક્રમણ, જુદી જુદી શિબિરો વગેરે થશે.
આ બધા ઉપરાંત જૈન સાધુ સાધ્વીજી માટે ઉપાશ્રય, વિહાર માટે પગદંડી તેમજ અનેક વિષયો પર વાતચીત કરી હતી. આ પ્રસંગે ચંદ્રકાંતભાઇ શેઠ, મનોજભાઇ ડેલીવાળા, ડોલરભાઇ, પ્રવિણભાઇ કોઠારી વગેરે સંઘના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ચંદ્રકાંતભાઇ શેઠે આભારવિધિ કરી હતી.