ગિરનારમાં 15, જૂનાગઢમાં ધમાકેદાર 24 કલાકમાં 10 ઇંચ ખાબકયો

  • ગિરનારમાં 15, જૂનાગઢમાં ધમાકેદાર 24 કલાકમાં 10 ઇંચ ખાબકયો


 શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં બે-બે ફુટ
પાણી ભરાયા
જૂનાગઢ તા.13
જૂનાગઢમાં ગઇકાલ સવારથી મેઘરાજાએ અણનમ ધમાકેદાર ઇનીંગ જારી રાખી છે અને છેલ્લા ર6 કલાકમાં 8 ઇંચ જેવો વરસાદ નોંધાતા ગીરનાર તથા જંગલ વિસ્તારમાં 10 ઇંચ જેટલો વરસાદ થઇ જતા જૂનાગઢનો વિલીંગડન ડેમ છલકાય ગયો છે. દામોદર કુંડ ખાતે બે કાંઠે પાણી આવ્યા હતા, સોનરખ લોલ તથા કાળવો નદીમાં સારા પ્રમાણમાં પાણી આવ્યા છે તો હસનાપુર સહિતના ડેમોમાં ત્રણ થી ચાર ફુટ નવા નીર આવ્યા છે. બીજી બાજુ શહેરમાં અનરાધાર વરસાદથી રાજમાર્ગો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મનપાના કંટ્રોલરૂમમાં થોકબંધ ફરીયાદો નોંધાવા પામી છે.
જૂનાગઢમાં ગઇકાલે સવારના 8 વાગ્યાથી મેઘાએ મંડાણ કરી આજ સવારના 10 વાગ્યા સુધી અવિરત વરસી પડતા શહેરનો છેલ્લા સોળ કલાકમાં 8 ઇંચ તથા ગીરનાર અને જંગલ વિસ્તારમાં 10 ઇંચ વરસાદ નોંધાતા જૂનાગઢની સોનરખ, કાળવા તથા લોલ નદીમાં પાણી આવ્યા છે. જ્યારે આણંદપુરમાં 6 ફુટ અને હસ્નાપુર ડેમમાં સારી માત્રામાં નવા નીર આવવા પામ્યા છે. શહેરનો વીલીંગ્ડન ડેમ ઓવરફલો થયો છે અને દામોદર કુંડ ખાતે પાણી બે કાંઠે જતું હતું. શહેરમાં વ્યાપક વરસાદના કારણે નીચલા દાતાર ખાતે બે ફુટ જેટલા પાણી ભરાયા હતા તો નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી જવાના અને પાણી બ્લોક થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
શહેરના તળાવ દરવાજા, રેલ્વે સ્ટેશન રોડ સહિતના રાજમાર્ગો ઉપર પણ પાણી ભરાયા હોવા સહિતની વ્યાપક ફરીયાદો ચોમાસાના પ્રથમ વરસાદ સાથે જ મનપામાં નોંધાવા પામી હતી. જોશીપુરાનો અંડર બ્રીજ ભરાય જતાં આ રસ્તો બંધ થવા પામ્યો હતો જેના કારણે હજારો લોકો મુશ્કેલી મુકાયા હતા.
શહેરમાં મેઘરાજાએ મન મુકી વરસતા શહેરીજનોનો પ્રવાહ ભવનાથ, વીલીંગ્ડન ડેમ તથા જંગલ વિસ્તારના સ્થળો તરફ વળ્યો હતો. સોરઠ પંથકમાં મેઘરાજાએ રાહ જોવડાવ્યા બાદ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જીલ્લાના બે-ત્રણ તાલુકાને બાદ કરતા સાર્વત્રીક વરસાદ પડયો હોવાના વાવડ મળી રહ્યા છે.
જૂનાગઢ જીલ્લાના ભેસાણ ખાતે છેલ્લા ર6 કલાકમાં 9 ઇંચ, જૂનાગઢ શહેર તથા તાલુકામાં 8 ઇંચ, કેશોદમાં 7 ઇંચ, માળીયામાં 6 ઇંચ, માણાવદર 4 ઇંચ, માંગરોળ બે ઇંચ, મેંદરડા 7 ઇંચ, વંથલી પ ઇંચ, વિસાવદર 8 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે.
જૂનાગઢ જીલ્લામાં આજે સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સાડાત્રણ ઇંચ, જૂનાગઢમાં ર, માળીયામાં પ ઇંચ, મેંદરડામાં સાડાત્રણ ઇંચ તથા વિસાવદરમાં 4 ઇંચ વરસાદ છેલ્લા 4 કલાકમાં નોંધાવા પામ્યો છે.
જીલ્લામાં સાર્વત્રીક વરસાદના કારણે જીલ્લાની મોટાભાગની નદીઓમાં નવા નીર આવવા
પામ્યા છે અને ખેડૂતો આ વરસાદથી આનંદવિભોર બન્યા છે.