અડધું ગુજરાત જળબંબાકાર; 100 ગામ વિખૂટાં

  • અડધું ગુજરાત જળબંબાકાર; 100 ગામ વિખૂટાં


અમદાવાદ તા.13
રાજ્યમાં ગુરુવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે રાજ્યનાં 100 ગામો સંપર્ક વિહોણા થઈ ગયાં છે. અત્યાર સુધી વરસાદથી કુલ 19ના મોત થયાં છે. મધ્ય ગુજરાતમાં બોરસદમાં એક રાતમાં 8 ઇંચ તો વસોમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે તાપીમાં 1 નેશનલ અને નવસારી-ડાંગમાં ત્રણ સ્ટેટ હાઈ-વે સહિત રાજ્યના 217 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. વડોદરામાં પાદરાના બે અને આણંદના આંકલાવમાં 6 મળી કુલ 8 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલું સેરઝોન ગુજરાત તરફ આગળ વધ્યું છે. 13મીએ બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરોને પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની વકી હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે અને રેડ એલર્ટ જારી કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લાના વઘઈમાં સાડા આઠ ઇંચ તો વલસાડમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ક્ધટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગઈકાલથી લઈને ગુરુવાર સુધીમાં 900થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે ડભોઈમાં પાંચ, ડાંગ જિલ્લામાં 20, વાંસદા તાલુકામાં 50 તથા ગણદેવી તાલુકામાં 26 ગામ સહિત 100થી વધુ ગામો સંપર્કવિહોણા થયા હતા. બોરસદ તાલુકામાં એક રાતમાં જ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
જેમાં રાત્રિના 8થી 10ના બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારો જળબંબાકાર થયા હતા. આણંદ જિલ્લામાં ઉમરેઠ તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં 2 થી 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. વસો પંથકમાં બુધવારની એક જ રાતમાં સવા છ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા 36 કલાકમાં નડિયાદ શહેર સહિત તાલુકામાં મળી 62 મીમી વરસાદ નોંધાયો હતો. ડભોઇ પંથકમાં ગતરાત્રીથી ગુરુવારે બપોર સુધીમાં 3.9 ઇંચ વરસાદ ખાબકતાં ઢાઢર નદી કાંઠાના 5 ગામ સંપર્ક વિહોણા થયા છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ડાંગ જિલ્લામાં વઘઈમાં સાડા આઠ, સાપુતારામાં 7 અને આહવામાં પાંચ ઈંચ વરસાદને કારણે પૂર્ણા, ઔરંગા નદી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિત સર્જાતા રસ્તાઓ બંધ થઈ જતા અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. વ્યારા નગર અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલા છેલ્લા ચોવીસ કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ આવ્યો હતો. સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. નવસારીના વિજલપોરમાં 50 ઘર પાણીમાં ડૂબી ગયા હતા. ડાંગ જિલ્લામાં વરસાદને પગલે વિવિધ કોઝવે પાણીમાં ગરકાવ થતા 20 ગામો કલાકો સુધી વિખૂટા પડી ગયા હતા.
વાંસદા તાલુકામાં 22 કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસતા 50થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા હતા. ગણદેવી તાલુકામાં પણ ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીઓ ભયજનક રીતે વહી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા મોસમનો કુલ 27.5 ઈંચ વરસાદ થયો છે. સુરતના 26, તાપીમાં નેશનલ હાઈ વે સહિત 52, નવસારીમાં સ્ટેટ હાઈ વે સહિત 77, વલસાડના 21 અને ડાંગના બે સ્ટેટ હાઈવે સહિત 19 રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગણદેવી તાલુકામાં 26 ગામો સંપર્ક વિહોણાં થયા હતા. વલસાડ શહેરમાં બાર કલાકમાં પાંચ ઇંચ વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી. સુરતમાં રાત સુધીમાં 128 મીમી વરસાદ નોંધાયો હતો. બોકસ...
કયાં કેટલો વરસાદ - વઘઈ 8 ઇંચ
- વ્યારા 8 ઇંચ
બોરસદ 8 ઇંચ
- સાપુતારા 7 ઇંચ
- તારાપુર 6 ઇંચ
- વસો 6 ઇંચ
- વલસાડ 5 ઇંચ
- સુરત 5 ઇંચ
-પેટલાદ 5 ઇંચ
------------------------