શશિ થરૂરે બાફ્યું અને કાગડે ઘૂવડ લાભ્યો!

  • શશિ થરૂરે બાફ્યું અને કાગડે ઘૂવડ લાભ્યો!

આપણા દેશના બધા જ પક્ષના નેતાઓએ પોતાની લૂલીને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. એ લોકો બોલે છે અને પાછલી પેઢીને તેનો ચેપ લાગે છે. સંસ્કાર, સંસ્કૃતિ અને સુવાચ્યનો લોપ થાય છે. આવું છેલ્લાં પાંચ-સાત વર્ષથી સપાટી પર આવ્યું છે. શબ્દો એ શસ્ત્ર જરૂર છે, પણ તેના પર અસભ્યતા સવાર ન થવી જોઇએ. અગાઉ નેતાઓ શાબ્દિક પ્રહાર જરૂર કરતા પણ શબ્દોએ સભ્યતાનો ઉંબરો વટાવ્યો ન હોતો, હવે તો હદ થતી જોવા મળે છે.
ચોક્કસ શશી થરૂરની જીભ લપસી છે. હિંદુ પાકિસ્તાન જેવો શબ્દપ્રયોગ અશોભનીય છે. એ માત્ર ભાજપ પર પ્રહાર કરતાં હિંદુ રાષ્ટ્ર જેવો શબ્દ પ્રયોગ કરીને અટક્યા હોત તો એ ચાલી જાત. આતો એવું થયું છે કે,કાગડે ઘુવડ લાભ્યો! ભાજપના પ્રવક્તાઓ એ રીતે તૂટી પડયા છે કે, જાણે આ શબ્દો કોંગ્રેસની વિચારધારા વ્યક્ત કરી રહ્યા છે. શશી થરૂરનો એ શબ્દ પ્રયોગ ચોક્કસ ન ચલાવી લેવાય, પણ મૂળમાં તો હિંદુ રાષ્ટ્રનો અર્થ જ સમાવિષ્ટ હતો. એ કોંગ્રેસના નેતા છે, હિંદુ છે અને ભાજપની હિંદુ વિચારશરણીથી દેશના દરેક હિંદુની માફક પરિચિત છે. અત્યારે દેશના પ્રત્યેક નાગરિકે પોતાની જાતને એક સવાલ પૂછવાની જરૂર છે કે ભાજપને જીતાડવા પાછળ શું માત્ર હિંદુત્વનો મુદ્દો જ લોકોએ સ્વીકાર્યો હતો? જવાબ નકારાત્મક આવશે.
જીત પરિવર્તન માટેની હતી અને નરેન્દ્ર મોદી જેવા પ્રખર વક્તા અને રાજકારણીએ સેંકડો પ્રચાર સભાઓ સંબોધીને દેશવાસીઓની આંખમાં જે સ્વપ્ન નિરુપ્યાં હતાં તેના કારણે સત્તાપરિવર્તન થયું. મોગલોના સમયમાં પણ ભારત હિંદુસ્તાન હતું, મુસ્લિમ રાષ્ટ્ર નહોતું. ફિરંગીઓના શાસન વખતે પણ આ દેશ હિંદુસ્તાન હતો, અને આજે પણ છે. નથી લાગતું કે, કોઇ દેશ ધર્મ આધારિત ન હોઇ શકે.
શશી થરૂર આટલા શિક્ષિત અને લેખક હોવા છતાં વાસ્તવિકતા વટાવી ગયા. કહ્યું તો આટલું જ કે જો હવે ફરીથી ભાજપ સત્તા પર આવશે તો બંધારણમાં ફેરફાર કરીને આ દેશને હિંદુ પાકિસ્તાન બનાવશે, પણ એ જરા અતિરેક હતો. અહીં ટીકાકારોએ પાકિસ્તાનનો અર્થ પણ સમજી લેવો જરૂરી છે.
આપણા માટે પાકિસ્તાન એવું અણગમતું નામ થઇ ગયું છે કે શશી થરૂરે એ નામ લેવાની જરૂર નહોતી. માત્ર આ દેશ માત્ર હિંદુ રાષ્ટ્ર બની જશે એટલું કહીને અટકવું જોઇતું હતું. તેમના શબ્દોથી શું ખરેખર બંધારણનું અને હિંદુઓનું અપમાન થયું છે?
દેશ આર્થિક સત્તાના ક્રમમાં આગળ વધી રહ્યો છે, ત્યારે પરકેપિટા ઇન્કમ વધારવાના પ્રયાસ કરી દેશના અર્થતંત્રમાં ઉત્તેજના લાવવાની જરૂર છે. રાજકારણીઓના આવા લપસી પડતા શબ્દોને ઉછાળીને દેશની ગરિમાને ફૂટબોલના બોલની માફક ઉછાળતા કે લાત મારતા રહેવાની જરૂર ન હોય.
થરૂરના એ શબ્દો સાથે કોંગ્રેસ સહમત નથી, એવું પ્રવક્તાએ જાહેર કરી દીધું એટલું જ નહીં, કોઇ પણ કાર્યકરે કે નેતાએ ભાજપ વિરુદ્ધ બોલતી વખતે શબ્દોની પસંદગી કરવામાં ધ્યાન રાખવાની તાત્કાલિક સૂચના પણ અપાઇ ગઇ.
ખરેખર તો કોંગ્રેસના પ્રવકતા જયવીર શેરગીલે જે વાત કરી તેનો ગર્ભિત અર્થ સમજવા જેવો છે. તેમણે કહ્યું કે, જેમની પણ સરકાર હોય કે હવે પછી આવશે, પણ ભારતની લોકશાહી ક્યારેય આ દેશને
પાકિસ્તાન બનવા નહીં દે. અહીં શબ્દોમાં સુસંસ્કૃતતા જોવા મળે છે. અહીં પણ પાક શબ્દના અર્થ ને ધ્યાનમાં લઇએ તો શબ્દપ્રયોગ અયોગ્ય છે, પણ આ દેશને પાકિસ્તાન જેવો દેશ બનવા નહીં દે એ
વધારે યોગ્ય છે. કંઇપણ, પરંતુ આ દેશની સમગ્ર તથા પવિત્રતા જળવાઇ રહેવી જરૂરી છે. અને તેની સૌથી વધારે જવાબદારી આ દેશના નેતાઓની છે
અને દરેક ધર્મના લોકોના હકની સમાનતા જળવાય તો જ એ શક્ય બનશે.
જોકે, થરૂરના હિંદુ પાકિસ્તાન શબ્દ સામે ભાજપનો પ્રહારો શરૂ થઇ ગયા છે. રાજકારણીઓ માટે કદાચ હવે શબ્દોની તીવ્રતા અને આટલી વેધકતા સહજ રીતે જરૂરી બની ગઇ છે.
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ જોકે થરૂરના બચાવમાં એવું કહ્યું કે, થરૂર શું બોલ્યા છે એ મેં વાંચ્યું નથી, પણ એ એક જવાબદાર સંસદ સભ્ય છે, એક્સટર્નલ અફેર્સની સંસદીય સમિતિના અધ્યક્ષ પણ છે, તે ઉપરાંત એ અતિ શિક્ષિત અને સફળ લેખક છે, એ જે કંઇ બોલ્યા હશે એ સમજી વિચારીને બોલ્યા હશે. અહીં થરૂર માટેનો બચાવ મહત્ત્વનો નથી, પરંતુ કોઇના માટે અભિપ્રાય આપવા માટેના શબ્દો અને સારપ મહત્ત્વનાં છે. આ ઉહાપોહ રાજકારણમાં ચાલુ રહેશે, એમાં શંકા નથી, કારણ કે નેતાઓએ પ્રસ્થાપિત થવા માટે આ નીતિ જ અપનાવી છે.