RSSનાં બેવડાં કાટલા: સંજૂV/S ‘ડેડી’!

  • RSSનાં બેવડાં કાટલા: સંજૂV/S ‘ડેડી’!
  • RSSનાં બેવડાં કાટલા: સંજૂV/S ‘ડેડી’!
  • RSSનાં બેવડાં કાટલા: સંજૂV/S ‘ડેડી’!
  • RSSનાં બેવડાં કાટલા: સંજૂV/S ‘ડેડી’!

રતમાં રાષ્ટ્રના હિતની વાતો કરનારા લોકો ખરેખર રાષ્ટ્રના હિત વિશે વિચારતા નથી ને બીજાં ચકલાં ચૂંથવામાં તેમને વધારે મજા આવે છે. સાવ ફાલતુ કહેવાય એવી વાતોને એ લોકો વધારે ચગાવે છે ને એવી એવી પારાયણો માંડીને બેસી જાય છે કે જે સાંભળીને આપણને તેમની દયા આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ તેના વાજિંત્ર એવા પાંચજન્યમાં એ જ ધંધો કર્યો છે ને હમણાં જ રિલીઝ થયેલી સંજુ ફિલ્મની કથા માંડી દીધી છે. પાંચજન્યના છેલ્લા અંકમાં કિરદાર દાગદાર ટાઈટલથી સંજુ ફિલ્મ પર કવર સ્ટોરી કરાઈ છે ને તેમાં લાગલો જ આક્ષેપ મુકાયો છે કે, મુંબઈનો ફિલ્મ ઉદ્યોગ માફિયાઓના મોહજાળમાં ફસાયેલો છે ને એવાં પાત્રોનો મહિમા કરી રહ્યો છે કે જેમની આબરુ સામે પણ માત્ર સવાલ જ નથી પણ જે લોકો દેશના અપરાધી પણ છે. સંજુ ઉપરાંત રઈસ ફિલ્મો દ્વારા ફિલ્મ ઉદ્યોગ લોકો સામે કેવા આદર્શ રજૂ કરવા માગે છે તેવો સવાલ પણ તેમાં પુછાયો છે.
આ આખો લેખ બહુ લાંબો છે ને તેની માંડીને વાત ના કરી શકાય પણ ઉપરછલ્લી વાતો કરી લઈએ. આ લેખ પ્રમાણે, હોલીવૂડ ભારતના મહાન ગણિતશાસ્ત્ર રામાનુજન પર ફિલ્મ બનાવી રહ્યું છે ત્યારે બોલીવૂડ અંડરવર્લ્ડનાં ગુણગાન ગાઈ રહ્યું છે. આ લેખમાં સંજય દત્તને અવગુણોનો ભંડાર ગણાવાયો છે ને તેનાં કુકર્મોનો ચોપડો જ ખોલી દેવાયો છે. 1993ના બોમ્બ બ્લાસ્ટ તથા કોમી રમખાણોમાં તેની સંડોવણી હતી તેવો આક્ષેપ કરાયો છે ને પોતાના ઘરમાં શસ્ત્રો છુપાવી રાખેલાં તેની વાત પણ કરાઈ છે. સંજુએ ત્રણ લગ્નો કરેલાં ને પોતાની દીકરીને વરસો લગી મળેલો નહીં તેની વાત પણ કરાઈ છે ને તેને 308 સ્ત્રીઓ સાથે સંબંધો હતા તેની વાત પણ કરાઈ છે. સંજય દત્તે તેના જીવનમાં એવી તે કઈ તોપ ફોડી નાખી કે તેના જીવન પરથી બોલીવૂડ બાયોપિક બનાવે છે એવો સવાલ ઉઠાવીને રાજકુમાર હિરાણીને પણ ધોઈ નખાયા છે. હિરાણીની છેલ્લી ફિલ્મ પીકે હિન્દુ વિરોધી હતી ને તેમાં હિન્દુઓની આસ્થાની મજાક ઉડાવાયેલી ને હવે સંજુ દેશના યુવાનો સામે સંજુના રૂપમાં એક નવો આદર્શ મૂકવા માગે છે તેવો આક્ષેપ કરાયો છે. બોલીવૂડ અંડરવર્લ્ડના ગુંડાઓ પર કોઈના ઈશારે ફિલ્મો બનાવ્યા કરે છે એવો સવાલ પણ ઉઠાવાયો છે.
આ દેશમાં લોકશાહી છે ને દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. સંઘ પણ તેના મુખપત્રમાં સંજુ વિશે પોતાનો અભિપ્રાય આપી જ શકે પણ સવાલ એ છે કે, ખરેખર આ દેશ માટે સંજુ ફિલ્મ એવો મોટો મુદ્દો છે ખરો કે જેના વિશે આટલું પિષ્ટપિંજણ કરવું પડે? બિલકુલ નથી. સંઘે સવાલ કર્યો છે કે, સંજય દત્તનું જીવન બાયોપિક બનાવવાને લાયક છે ખરું? સંઘના મતે બિલકુલ નથી ને જેનું જીવન બાયોપિક બનાવવાને લાયક નથી એવી વ્યક્તિ પર બનેલી ફિલ્પ અંગે સંઘ કવર સ્ટોરી કરે તેને શું કહેવું ?
વાસ્તવમાં તો સંજુ કોઈ મુદ્દો જ નથી, સંજુ એક ફિલ્મ છે ને ફિલ્મ મનોરંજન માટે જ હોય છે. તમને ગમે તો ઠીક, ના ગમે તો ઠીક. દરેક ફિલ્મ દરેક વ્યક્તિને ગમે એ જરૂરી નથી. લોકો ફિલ્મ જોયા પછી તેની ટીકા કરે તેમાં પણ કશું ખોટું નથી પણ તેને દેશના ભાવિ સાથે કે યુવાનો સાથે જોડવાની વાત સંકુચિત માનસિકતાનો વરવો નમૂનો કહેવાય. મનોરંજન અશ્ર્લીલ ના હોવું જોઈએ, હલકું ના હોવું જોઈએ એ કબૂલ પણ એ જોવા માટે સેન્સર બોર્ડ છે જ. સંઘે કે બીજા કોઈએ સુપર સેન્સર બોર્ડ બનવાની જરૂર નથી.
સંઘે તો સંજુના જીવનની ઘણી બધી બાબતોનું ચિત્રણ નથી કરાયું તેની સામે પણ વાંધો લીધો છે. આ વાત જ સમજાય એવી નથી. યાર, સંજય દત્તના જીવન પરથી ફિલ્મ બનતી હોય તો તેમાં શું લેવું ને શું ના લેવું એ આપણે થોડા નક્કી કરવાના? એ તો સંજય દત્ત નક્કી કરે ને રાજકુમાર હિરાણી નક્કી કરે. તેમને સંજય દત્તની પહેલી બે પત્નીઓની વાત ના કરવી હોય તો ના કરે ને તેમની દીકરીની વાત ના કરવી હોય તો એ પણ ના કરે. તેને પોતાને મહત્ત્વનું લાગ્યું એ તેણે બતાવ્યું. હિરાણીને એક સર્જક તરીકે એ હક છે જ એ જોતાં એ બધા વાંધા બકવાસ કહેવાય.
જો કે મહત્ત્વની વાત એ છે કે સંઘ આવી વાતો કેમ કરે છે? કેમ કે સંઘના નેતાઓ પલાયનવાદી છે. આ દેશમાં સંજુ ફિલ્મ કરતાં ગંભીર ને દેશ માટે ખતરારૂપ ઘણા મુદ્દા છે પણ સંઘના નેતાઓમાં એ હિંમત જ નથી કે એ બધા મુદ્દાઓ વિશે બોલે. આ દેશની વિધાનસભાઓમાં ને સંસદમાં અપરાધીઓ બેસી ગયા છે. આ દેશના રાજકારણનું અપરાધીકરણ વધતું જ જાય છે ને સાવ લુખ્ખા કહેવાય એવા લોકો વધારે પ્રમાણમાં ચૂંટાતા જાય છે. સંઘે આજ લગી તેની સામે વાંધો લીધો ? એક કિસ્સો બતાવો કે જેમાં સંઘ આવા લોકોનો વિરોધ કરવા બહાર પડ્યો હોય તો. આ દેશમાં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનારા લહેર કરે છે. સંઘે કદી તેમની સામે લાલ આંખ કરી ? આ દેશમાં હિંદુ ધર્મના નામે ગોરખધંધા કરતા કોઈ ને કોઈ બાવલાનું પાપ દર અઠવાડિયે છાપરે ચડીને પોકારે છે. ધર્મના બહાને બહેન-દીકરીઓની ઈજ્જત સાથે આ હરામખોરો ખેલે છે. સંઘના સ્વયંસેવકો આવા કોઈ બાવલાનો આશ્રમ બંધ કરાવવા ગયા હોય કે કોઈ હવસખોરને પાઠ ભણાવ્યો હોય એવું કદી જોયું ? આ તો છોડીક જ વાત કરી પણ આવાં તો ઘણાં ઉદાહરણો આપી શકાય. આ દેશમાં ભ્રષ્ટાચાર, શોષણ, અત્યાચાર સતત ચાલ્યા જ કરે છે. સંઘ પાસે લાખો સ્વયંસેવકો છે ને એ ધારે તો આ બધા ધંધા કરનારા હરામખોરો સામે પડી શકે. સંઘે એ કદી કર્યું ખરૂં? કદી નથી કર્યું કેમ કે સંઘના નેતાઓમાં હિંમત જ નથી.
સંઘને અંડરવર્લ્ડ પરની ફિલ્મો સામે વાંધો છે ને પાંચજન્યના લેખમાં અંડરવર્લ્ડના જે દાદાઓ પરની ફિલ્મોનો ઉલ્લેખ કરાયો છે તેમાં અરૂણ ગવલીનું પણ નામ છે. અરૂણ ગવલીના જીવન પરથી અર્જુન રામપાલે ડેડી ફિલ્મ બનાવેલી ને આ ફિલ્મના નિર્માતા તરીકે અર્જુન રામપાલની સાથે કોણ છે ખબર છે? ઋત્વિજ પટેલ. ઘણાંને આ ઋત્વિજ પટેલ કોણ એવો સવાલ થશે જ. એ સ્વાભાવિક પણ છે કેમ કે ઋત્વિજ પટેલ એવો મોટો નેતા નથી. ઋત્વિજ ગુજરાત ભાજપ યુવા મોરચાનો પ્રમુખ છે ને સ્વાભાવિક રીતે જ ભાજપના ટોચના નેતાઓનો લાડકો હોય તો જ અહીં લગી પહોંચ્યો હોય. સંઘે આક્ષેપ કર્યો છે કે, અંડરવર્લ્ડ પરની ફિલ્મો બનાવવા માટે દુબઈથી પૈસો આવે છે. ઋત્વિજ પટેલના પૈસે અરૂણ ગવળી પરની ફિલ્મ બની છે તો ઋત્વિજના પૈસા દુબઈથી આવેલા છે?
ઋત્વિજ આ દેશનો નાગરિક છે ને આ દેશના નાગરિક તરીકે તેને કાયદો જેની મંજૂરી આપે એ બધા ધંધા કરવાની છૂટ છે. એને ગમે તો એ પાનનો ગલ્લો નાખે ને તેને ગમે તો એ ફિલ્મમાં રોકાણ કરે. ઋત્વિજે કશું ખોટું કર્યું નથી પણ સવાલ ઋત્વિજનો નથી. સવાલ સંઘની માનસિકતાનો છે. સંઘને અંડરવર્લ્ડ પર ફિલ્મો બનાવનારા સામે વાંધો છે તો એ ઋત્વિજ પટેલ સામે મોરચો માંડશે? સંઘને હિરાણી સામે વાંધો હોય તો ઋત્વિજે પણ એ જ કર્યું છે. હિરાણીએ સંજય દત્તને ગ્લોરિફાય કર્યો તો ઋત્વિજે અરૂણ ગવલીને ગ્લોરિફાય કર્યો. સંઘને તેની સામે પણ વાંધો હોવો જોઈએ ને? સંઘ ઋત્વિજનું બીજું કશું ના કરી શકે તો કંઈ નહીં પણ તેને ભાજપમાંથી દૂર તો કરાવી શકે ને? સંઘ એવું કરશે ખરો? સંઘના નેતાઓને આ દેશના યુવાનોની એટલી જ ચિંતા હોય તો તેણે ગવલી જેવા ગેંગસ્ટરને ગ્લોરિફાય કરનારા ઋત્વિજ સામે મોરચો માંડવો જોઈએ, તેને ભાજપમાંથી તગેડી મુકાવવો જોઈએ. જો કે સંઘ એવું નહીં કરે કેમ કે સંઘના નેતાઓ એક નંબરના દંભી છે. તેમની વાતો બીજાને શિખામણ આપવા માટે જ છે. એ લોકો પોતે તો એ રીતે વર્તવામાં માનતા જ નથી. વરસોથી એ લોકો આ જ કરે છે ને કરતા રહેશે. આ રીતે થૂંક ઉડાડીને રાજી થવા સિવાય તેમનાથી બીજું કશું થઈ શકે એમ જ નથી. આવી જ એક ફિલ્મ બની છે-ડેડી. જે અરૂણ ગવળીના જીવન પર આધારિત છે. આ ફિલ્મના નિર્માતા ઋત્વિજ પટેલ છે. જે ગુજરાત ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ છે. ‘સંઘ’તેનાં વિશે ચૂપ છે