રસુલપરામાં પત્નીની હત્યાના ગુનામાં આરોપી પતિને આજીવન કેદની સજા


રાજકોટ તા.13
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર પત્નીની છરીના 14 ઘા ઝીંકી હત્યા નીપજાવવાના ચાર વર્ષ પહેલાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. ગોંડલ રોડ પર રસુલપરા મફતીયાપરામાં રહેતા આરોપી રજાક કરીમભાઇ ભટ્ટીએ ગત તા.ર9/4/ર014 ના રોજ તેની પત્ની નસીમબેનની છરીના 14 ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. જેમાં આરોપી રજાકભાઇને પણ ઇજા થતાં હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ડી.ડી. લેતા આરોપીએ પોતે પત્નીની હત્યા કરી પોતાને પણ ઇજા કર્યાનું જણાવ્યું હતું. આ અંગે રસુલપરામાં રહેતા રસુલભાઇ અલારખાભાઇ મીરની ફરીયાદ પરથી આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો તથા ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ પત્નીને રાત્રે બહાર જવાની ના પાડી હોય છતા તે ન મળતા હત્યા નીપજાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ કરેલું. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલો દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ અને સેશન્સ જજ એમ.એમ.પવારે એકસ્ટ્રા જ્યુડીશ્યલ ક્ધફેશન ગણાવી આરોપી પતિ રજાક કરીમભાઇ ભટ્ટીને આઇપીસી કલમ 302 હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર પક્ષે એપીપી બિનલબેન રવેશીયા રોકાયા હતા.