નદી કાંઠાના આઠ વિસ્તારોમાં એલર્ટ: છ ટીમ તૈનાત

  • નદી કાંઠાના આઠ વિસ્તારોમાં એલર્ટ: છ ટીમ તૈનાત


રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં ગઇકાલથી મેઘરાજાએ આગમન કર્યુ છે. શહેરમાં ર4 કલાકમાં પડેલ વરસાદના કારણે શહેરના અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ બનવા પામી છે. જ્યારે ઉપરવાસમાં થયેલ વરસાદના પગલે આજી નદીમાં ઘોડાપુર આવતા અને હજુ પણ ભારે વરસાદની આગાહીના પગલે મનપાના ફાયર વિભાગે નદીકાંઠામાં આવતા આઠ વિસ્તારો એલર્ટ જાહેર કર્યા છે તેમજ રેસ્કયુ માટે છ ટીમ તૈયાર કરી પરીસ્થિતિને પહોચી વળવાની તૈયારી હાથ ધરી છે.
મનપાના ચીફ ફાયર ઓફીસર બી.જે.ઠેબાના જણાવ્યા મુજબ ફાયર વિભાગ દ્વારા ભારે વરસાદના પગલે રેસ્કયુ કામગીરી માટે અલગ-અલગ સ્થળ માટે ટીમ બનાવી તૈયાર રાખવામાં આવી છે તેમજ આજી નદીમાં ભારે પુરના પગલે નદીકાંઠાના વિસ્તારો જેવા કે એકતા સોસાયટી, જંગલેશ્ર્વર, તવક્કલ ચોક, રામનાથ મંદિરની બાજુનો વિસ્તાર, ચુનારાવાડ, ભગવતીપરા, ભવાનીનગર, જયપ્રકાશનગર તેમજ નદીકાંઠે આવેલા અન્ય વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાય છે તેમજ આ વિસ્તારમાં એનાઉન્સ કરી નદીના પટમાં લોકોને ન જવાની સુચના આપવામાં આવી છે તથા લોકોને નદીકાંઠેથી સલામત સ્થળે ખસી જવાની પણ સુચના અપાઇ છે.
ભારે વરસાદના પગલે ગતરાત્રીના આજી નદીમાં ઘોડાપુર આવતા શહેરને સામાકાંઠા સાથે જોડતા રામનાથપરા પુલ અને ચુનારાવાડ બેઠા પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો તેમજ હાલ સવારથી ઉપરવાસમાં વરસાદ ચાલુ હોય આજી નદીમાં પુર આવવાની સંભાવનાના પગલે બંન્ને પુલ ઉપર હાલ ફાયર વિભાગનો સ્ટાફ વોચમાં રાખવામાં આવ્યો છે તેમજ જરૂર પડયે બંન્ને પુલ બંધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ગઇકાલે રાજકોટમાં પડેલ વરસાદના પગલે શહેરના અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની નાની-મોટી ઘટનાઓ ઘટી હતી તેમજ નાના મવા રોડ ઉપર વર્ષો જુનુ એક વૃક્ષ ધરાશાયી થતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક હટાવવામાં આવ્યું હતું. ગઇકાલથી શરૂ થયેલ વરસાદના પગલે શહેરમાં અન્ય કોઇ જાનહાની કે મિલ્કતોને નુકસાન થયાનું જાણવા મળેલ નથી. ગઇકાલે શાપરની બાજુમાં આવેલ પીપળીયા ગામના ફાર્મહાઉસમાં એક મકાનમાં યુવાન પાણીમાં ફસાઇ જતા ફાયર વિભાગે રેસ્કયુ હાથ ધરી યુવાનને હેમખેમ બહાર કાઢયો હતો.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ નદીકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે દર વખતે પાણી ભરાવાની ફરીયાદો આવે છે. તે પ્રકારના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે તેમજ ફાયર વિભાગ દ્વારા 1પ એમ્બ્યુલન્સ તેમજ રેસ્કયુ માટેની 6 ટીમ તથા બોટ સહિતની સામગ્રી તૈયાર રાખવામાં આવી છે. મનપાએ જાહેર કરેલ ટોલ ફ્રી નંબર ઉપર લોકો પાણી ભરાવા સહિતની ફરીયાદો ચોવીસ કલાકમાં ગમે ત્યારે કરી શકશે તેમ ફાયર વિભાગે જણાવ્યું હતું. રેડ એલર્ટ કરેલા નદી કાંઠાના વિસ્તારો
જંગલેશ્ર્વર, આજી જીઆઇડીસીના કાંઠાનો વિસ્તાર, એકતા સોસાયટી, તવક્કલ ચોક, રામનાથપરા વિસ્તાર, ચુનારાવાડ, ભગવતીપરા, ભવાનીનગર, જયપ્રકાશનગર તેમજ નદીકાંઠે આવતા અન્ય વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની તેમજ નદીના પટમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે તથા જરૂર પડયે સલામત સ્થળે ખસી જવાની સુચના આપવામાં આવી છે. નાનામવામાં એક ઝાડ પડયું, પાણી ભરાવાની તથા જાનહાનિના અહેવાલ નથી